એક જ ઝટકામાં ખભેથી હાથ અલગ થઇ ગયો અને ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું

મહેસાણા
મહેસાણા

નવા વર્ષની ઉજવણીના ઉત્સાહમાં મિત્રો સાથે બુલેટ લઇને પરત ફરી રહેલાં પ્રિયદત્ત રાણાને એ ક્યાં ખબર હતી કે એ નવું વર્ષ નહીં જોઇ શકે… પુરપાટ ઝડપે ઘરે જતા પ્રિયદત્ત રાણાનું બુલેટ થાંભલા સાથે અથડાયું ને એક જ ઝટકામાં ખભેથી હાથ અલગ થઇ ગયો અને ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું. આ અકસ્માતની ગંભીરતા સામે સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે.

પ્રિયદત્ત મિત્રો સાથે પહેલાં નાસ્તો કરવા ગયો નવા વર્ષને માત્ર અડધો કલાક જ બાકી હતો એ દરમિયાન મહેસાણા શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી. શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં આવેલા રાણા વાસમાં રહેતો 29 વર્ષીય પ્રિયદત્ત ભરતભાઇ રાણા, ચંદ્રકાન્ત રાણા, રાજુ પરમાર અને ધવલ પરમાર સહિતના મિત્રો રાધનપુર ચોકડી પર રાત્રે 11 વાગ્યાના અરસામાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરી રાજુ પરમાર ચંદ્રકાન્ત રાણાના એક્ટિવા પર ઘરે જવા નીકળ્યો હતો અને તેણે પોતાનું બુલેટ પ્રિયદત્ત રાણાને આપ્યું હતું.

મિત્રનું બુલેટ લઇને પ્રિયદત્ત પોતાના મિત્ર ધવલ પરમાર સાથે મોઢેરા ચોકડીથી માલ ગોડાઉન રોડ પર થઈને ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે રાતના 11.30 વાગ્યા આસપાસ રસ્તામાં બીકે સિનેમા ચોકમાં પુરઝડપે જઈ રહેલા પ્રિયદત્તનું બુલેટ રોડ પર આવેલા હોડિંગ્સના થાંભલે અથડાતા પ્રિયદત્તનો હાથ એક જ ઝટકામાં ખભેથી છુટ્ટો પડી ગયો હતો અને નવા વર્ષને માત્ર અડધો કલાક જ બાકી હતો અને એનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બીજી બાજુ પોતાના ઘરે પહોંચેલા રાજુ પરમારે પ્રિયદત્તને ફોન કરતા અન્ય કોઈ વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને તમારા મિત્રોને બીકે સિનેમા પાસે અકસ્માત થયો હોવાની જાણ કરતા રાજુ તેના મિત્ર ચંદ્રકાન્ત સાથે બીકે સિનેમા આવ્યો હતો. જ્યાં બંને મિત્રોન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. આ સમગ્ર મામલે 108 મારફતે પ્રિયદત્તને સિવિલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. તેમજ ધવલ પરમારને લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો.

મિત્રનું બુલેટ લઈને ઘરે આવવા નીકળેલા અને અકસ્માતમાં મોતનો કોળિયો બની ગયેલો પ્રિયદત્ત બેંકોના એટીએમમાં રોકડ પહોંચાડનારી એજીએમ કંપનીમાં સુપરવાઇઝર હતો. ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ પરિવારનો એકમાત્ર આશરો અને કમાઉ દીકરો હતો. ફેબ્રુઆરી મહિનામાં પ્રિયદત્તના લગ્ન લેવાના હોઇ તેણે અને પરિવારે તૈયારીઓ પણ પૂરી કરી લીધી હતી. જોકે, આમ અચાનક કાળનો ભેટો થતાં પ્રિયદત્તના પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.

મિત્રવર્તુળ અને પોતાના વિસ્તારમાં પ્રિયદત્ત રાણાના પિન્ટુના હુલામણા નામથી જાણીતો હતો. જે બેટ્સમેન હોવાથી એક સારો ક્રિકેટર હતો અને પોતાની ટીમનો કેપ્ટન પણ હોવાનું તેના મિત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.