કડીના છત્રાલ રોડ ઉપર આવેલી કેમલાસ્ટ કંપની દ્વારા કલોરીયન ગેસ છોડાતા ઘટના બની

મહેસાણા
મહેસાણા

કડી છત્રાલ રોડ ઉપર અનેક ફેક્ટરીઓ સામે પ્રદૂષણ છોડવાની અનેક વખત રાવ સામે આવી છે. જેના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે હોસ્પિટલ ખાતે જવાનો વારો આવે છે. તેવી એક ઘટના સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. કડીના છત્રાલ રોડ ઉપર આવેલી એક કંપની દ્વારા ઝેરી ગેસ છોડાતા બાજુની કંપનીમાં નોકરી કરતા કામદારો ગુંગળાયા હતા અને તેમની તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા.કડીના કરણનગર, અણખોલ, છત્રાલ સુધી અનેક કેમિકલ ફેક્ટરીઓ ઝેર ઓકતા સ્થાનિક ગામ લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કડીના છત્રાલ રોડ ઉપર કેમિકલ સ્ટીલ પ્લાયવુડ જેવી વિવિધ ફેક્ટરીઓ ચીમનીઓ દ્વારા હવામાં ઝેરી ગેસના ધુમાડા છોડી વાતાવરણને પ્રદૂષિત કરાઈ રહ્યું છે. બીજી તરફ કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતારતા આસપાસના બોરમાંથી દૂષિત પાણી નીકળતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હોવાની રાવ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે. ત્યારે કડીના છત્રાલ રોડ ઉપર ફરી એકવાર તેવી જ ઘટના સામે આવી હતી. જ્યાં કડી છત્રાલ રોડ ઉપર આવેલી એક કંપની દ્વારા મંગળવારે સાંજના સમયે અચાનક જ ઝેરી ગેસ છોડાતા બાજુની કંપનીમાં નોકરી કરતા 6 કામદારોને અસર થતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.


જીવન એગ્રો કંપનીની બાજુમાં આવેલી કંપની દ્વારા સાંજના સમયે ઝેરી ગેસ છોડાતા કંપનીમાં નોકરી કરતા છ કામદારોને ઉલટીઓ તેમજ ચક્કર આવવાની ઘટના સામે આવી હતી. કંપનીમાં નોકરી કરતા પ્રકાશભાઈ, નિરદોર વર્મા, સોલંકી ધીરેન, અજય અનુરાગી પારસ રાઠોડ, નરેશ વિજીર જીવન એગ્રોમાં મંગળવારે સાંજના સમયે કામ કરી રહ્યા હતા. જે દરમિયાન બાજુની કંપની દ્વારા ગેસ છોડવામાં આવતા તેઓની તબિયત લથડી હતી.જીવન એગ્રો કંપનીમાં નોકરી કરતા નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કડી છત્રાલ રોડ ઉપર અમારી કંપની છે તેની બાજુમાં કેમપ્લાસ્ટ કંપની આવેલી છે તેનો ક્લોરિન ગેસ જે વારંવાર થોડો ઘણો આવતો હોય છે, પરંતુ આજે કંપની દ્વારા ખૂબ જ વધુ પ્રમાણમાં છોડાતા અમારી કંપનીમાં નોકરી કરતા ત્રણ માણસોને શરૂઆતમાં ઉલટી થઈ હતી. જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી જ્યાં એમ્બ્યુલન્સ કંપનીમાં આવે ત્યાં બીજા ત્રણ લોકોને અસર થઈ હતી અને વધારે બીજા ત્રણ જણને ઊલટીઓ ચાલુ થઈ ગઈ હતી. 6 લોકોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘણીવખત થતું હોય છે, પરંતુ આટલું બધું હોતું નથી આ વખતે ખૂબ વધારે ગેસ આવ્યો હતો. અમે ફોન કર્યો તે દરમિયના તે લોકોએ અડધો કલાક ગેસ બંધ કર્યો હતો જે બાદ ફરીથી ચાલુ કરી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.