ભારતીય કિસાન સંઘે વડગામ ખાતે રેલી યોજી : ખેડૂતોને રાત્રીના દિવસે વીજપુરવઠો આપવાની માંગ કરી
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રાત્રે વીજ પૂરવઠો મળતો હોવાથી ખેડૂતોને રાત ઉજાગરા કરી ઠંડીમાં ઠુંઠવાતા ખેતરમાં પાકને પિયત કરવી પડે છે જેને લઈને વડગામ તાલુકાના ભારતીય કિસાન સંગે આજે વડગામ ખાતે રેલી યોજી હતી. વડગામ જીઈબી કચેરી પહોંચી દિવસે લાઈટ આપવા આવેદનપત્ર પાઠવ્યું હતું.
વડગામ તાલુકાના વડગામ સહિત અનેક ગામોમાં ખેડૂતોને રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન વીજળી મળે છે જેથી કડકડતી ઠંડીમાં ખેડૂતોને ખેતરે જવુ પડે છે અને ઠુઠવાતા આખી રાત જાગી પાકને પિયત કરવું પડી રહ્યું છે જેથી ખેડૂતો દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે. આજે વડગામ તાલુકાના ભારતીય કિસાન સંઘના તમામ ગામના આગેવાનોએ વડગામ ખાતે સૂત્રોચાર સાથે રેલી નીકાળી હતી અને જીઈબી કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ માંગ કરી હતી કે જે પુરવઠો રાત્રે અપાય છે તે વીજળી પુરવઠો દિવસે અપાય. વડગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી નીકાળી અને દિવસે વીજળી માટેની માગણી કરાઈ છે ત્યારે આવેદનપત્ર આપ્યા બાદ વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની માગણીને વડી કચેરી મોકલશે અને ખેડૂતોની સમસ્યા હલ થાય તેવા પ્રયાસો કરશે તેવું આશ્વાસન આજે ખેડૂતોને અપાયું છે.