સાબરકાંઠાના ૧૪ ઔદ્યોગિક એકમોમાં મોકડ્રિલના કાર્યક્રમો યોજાયા
રખેવાળન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના ૧૪ ઔદ્યોગિક એકમો ખાતે સલામતી માસ અંતર્ગત મોકડ્રિલના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મિઓને કામના સ્થળે રાખવામાં આવતી સલામતી અંગે જાગૃત કરાયા હતા. ગાંધીનગરની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા ૧૭/૦૮/૨૦૨૦થી ૧૫/૦૯/૨૦૨૦સુધી સલામતી માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ માસની ઉજવણી દરમ્યાન જિલ્લાનાં કુલ ૧૪ ઔદ્યોગિક એકમો ખાતે વિવિધ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સલામતી માસ’ની ઉજવણી દરમ્યાન જિલ્લાનાં વિવિધ તાલુકાનાં ૧૪ ઔદ્યોગિક એકમોમાં ફાયરડ્રીલ,ગેસ ગળતરની મોકડ્રીલ તથા સેફ્ટી એવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમ યોજવવામાં આવ્યા હતાં. સાથે-સાથે કામની જગ્યાએ સલામતીના નિયમોનું ચુસતપણે પાલન,આગ જેવા આકસ્મિક બનાવ વખતે લેવાની તકેદારી, તેઓની ઈમરજન્સીમાં બજાવવાની ભૂમિકા, માહીતીનો પ્રસાર, તાલીમના મહત્વ, તે અંગે કારખાનાના મેનેજમેન્ટ, સુપરવાઈઝર અને શ્રમયોગીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પ્રવર્તમાન કોરોનાની મહામારીના સંજોગોમાં સરકારની જાહેર કરાયેલ માર્ગદર્શિકાઓ મુજબ સોશિયલ ડિસ્ટન્સીન્ગ સાથે કેવી રીતે સુરક્ષિત રીતે કામ કરવું જરૂરી છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.