ઉત્તર ગુજરાત વીજ કંપનીએ રાધનપુર પાલિકાને 3.88 કરોડનું બિલ 72 કલાકમાં ભરવાની નોટિસ ફટકારી

પાટણ
પાટણ

ઉત્તર ગુજરાત વીજ કંપનીએ રાધનપુર નગરપાલિકાને નોટિસ ફટકારી છે. જેમાં વોટર વર્કસના 11 પંપીંગ સ્ટેશનના લાઈટ બિલની 3.88 કરોડથી વધુ બાકી રકમ તાત્કાલિક અસરથી 72 કલાકમાં ભરી દેવા દ્વારા જણાવ્યું છે. જો 72 કલાકમાં રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો વીજ કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી છે.પાટણ નગર પાલિકાને થોડા દિવસ પહેલા નોટિસ આપ્યા બાદ હવે રાધનપુર નગરપાલિકા હસ્તક પીવાનું પાણી પૂરું પાડતાં વોટર વર્કસ શાખાના લાઈટ બિલની 3.88 કરોડથી વધુ રકમ ભરવાની બાકી છે. જેને પગલે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ રાધનપુર નગરપાલિકાને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક અસરથી 72 કલાકમાં રકમ ભરી દેવા દ્વારા જણાવ્યું છે. જેને લઇ નગરપાલિકાના સત્તાધીશોમાં ભારે હલચલ મચી છે.રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં વોટર વર્કસ શાખાના 11 પંપીંગ સ્ટેશનના લાઈટ બિલ પેટે 3 કરોડ 88 લાખ 82 હજાર 192 ચડેલા છે. આ રકમની વસૂલાત માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અનેકવાર નગરપાલિકાને લેખિતમાં નોટિસો આપવામાં આવી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન લેણી રકમ ભરવામાં આવી ન હતી. જેને કારણે UGVCL તંત્ર આકરા પાણીએ થઈ ફરી નોટિસ પાઠવી છે અને 72 કલાકમાં રકમ ભરી દેવા જણાવ્યું છે. જો 72 કલાકમાં રકમ ભરવામાં નહીં આવે તો વીજ કનેક્શન કાપી વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડશે.તેમ નોટિસમાં જણાવ્યું હતું.

રાધનપુર નગરપાલિકામાં વીજબિલ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું કે તેઓ 8 ઑગસ્ટ 2023ના રોજ રાધનપુર નગરપાલિકામાં ફરજ પર હાજર થયા છે. ત્યારબાદ તબક્કાવાર રીતે ત્રણ વાર 10 લાખ રૂપિયાનું વીજ બિલ ભરેલ છે. અગાઉ કયા કારણોસર બિલ નથી ભરાયું તેની મને જાણ નથી. હાલમાં UGVCLના અધિકારીઓ સાથે બિલના નાણાં ભરવા બાબતે વાટાઘાટો થઈ રહી છે.વીજ તંત્રના આકરા વલણ સાથેની આ નોટિસથી રાધનપુર નગરપાલિકાના અધિકારીઓમાં ભારે દોડધામ મચી છે. જો વીજ પુરવઠો બંધ કરવામાં આવે તો સમગ્ર શહેરને અપાતું પાણી વિતરણ બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થતું અટકાવવા નગરપાલિકા તંત્ર હાલ કામે લાગ્યું છે. રાધનપુર નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને કારણે વીજબિલના નાણાં ભરાયા નથી. જો વીજ કંપની દ્વારા વીજ પુરવઠો કાપવામાં આવશે તો સ્ટ્રીટ લાઈટો અને પાણી વિના નગરજનોને રહેવું પડે તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.