ઓગસ્ટમાં લેવાયેલી ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ માત્ર 8.17 ટકા, વધુ એકવાર છોકરીઓએ મેદાન માર્યું

ગુજરાત
ગુજરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ જ વર્ષે પાસ થાય અને વર્ષ ન બગડે તે હેતુથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે. આ પૂરક પરીક્ષા 25થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. જેનું આજે પરિણામ જાહેર થયું છે. આ પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા આવ્યું છે. જેમાં છોકરીઓએ ફરી મેદાન માર્યું છે. આ પરિણામમાં 8.36 ટકા છોકરીઓ અને 8.04 ટકા છોકરા પાસ થયા છે. આ પરિણામમાં દિવ્યાંગોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. આ પાસિંગ લાભ મેળવનારા 245 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન 38 કેન્દ્ર અને 623 બિલ્ડિંગ્સ તેમજ 6,192 બ્લોકમાં આ પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે 1,32,032 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1,08, 869 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 8890 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. આ પૂરક પરીક્ષામાં પાસ થયેલા 8890 વિદ્યાર્થીઓમાંથી 3,683 છોકરીઓ અને 5,207 છોકરાઓ પાસ થયા છે.

આ પરીક્ષાના પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્રો તથા માર્ચ-2020ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોનું 21 સપ્ટેમ્બરથી વિતરણ કરવામાં આવશે. જેને પગલે વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રો 18 સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે.જિલ્લા કક્ષાએ કોરોનાની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સ્કૂલોને તાલુકા વાઈઝ, SVS(સ્કૂલ વિકાસ સંકુલ) કે કોર્પોરેશન વિસ્તારોમાં જિલ્લા કચેરી વિતરણની વ્યવસ્થા કરશે.

આ પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા માગતા હોય તેમણે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવેલી સૂચનાઓનો અભ્યાસ કરી સાથે આપેલા પરિશિષ્ટમાં જરૂરી ફી ભરવાની રહેશે. ત્યાર બાદ તેની 7 દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી કરવાની રહેશે. હાલ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈ અરજીઓ રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓની સાથે ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફને પરીક્ષા સ્થળ પર પ્રવેશ આપતા પહેલા થર્મલ ગનથી બોડી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન એક ક્લાસમાં માત્ર 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.