દાંતા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ માણેકનાથ ગુફા ખાતે પ્રકૃતિનું સૌદર્ય કળાએ ખીલ્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક રચના વિશેષ છે. જિલ્લાની પૂર્વ દિશામાં અરવલ્લીના રમણીય ડુંગરાઓ અને પશ્વિમ દિશામાં રણ વિસ્તાર છે. જિલ્લામાં ઘણા સ્થળો દર્શનીય અને પ્રવાસન સ્થળો છે.
દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં માંકડી નજીક વિશાળ ડુંગર ઉપર માણેકનાથની ગુફા આવેલ છે. ડુંગરની તળેટી સમાન લોટોલ મુકામે માણેકનાથ મંદિર છે. પ્રકૃતિના પાલવમાં આવેલ આ સ્થળો અત્યતં સુંદર, રમણીય અને દર્શનીય છે. અત્યારે ચોમાસાની સીઝનમાં અહીં પ્રકૃતિનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યુ છે ત્યારે કુદરતના આ ભવ્ય નજારાને નિહાળવા માણવા લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. રવિવાર અને રજાના દિવસોમાં તો અહીં મેળા જેવો માહોલ સર્જાય છે. લોટોલ-માણેકનાથ સ્થળનો ઈતિહાસ ૬૦૦ વર્ષ પુરાણો અને ભવ્ય છે. આજુ બાજુના ગામોના લોકો બાધા કરવા એટલે કે બાળકોની

બાબરી ઉતારવા (ચૌલકર્મ) માટે અહીં આવતા હોય છે. લોકવાયકા પ્રમાણે ઘણા વર્ષો પહેલાં માણેકનાથ નામના પૂજ્ય સંત મહાત્માએ આ વિસ્તારમાં ખૂબ તપ કર્યું હતું. તેથી આ જગ્યાનુ નામ માણેકનાથ તરીકે પ્રસિધ્ધ છે. અન્ય દંતકથા પ્રમાણે અમદાવાદના માણેકચોક સાથે આ સ્થળનો ઈતિહાસ સંકળાયેલો છે. ઈ.સ. ૧૪૧૧ માં અમદાવાદના બાદશાહ અમદાવાદ ફરતે કોટ ચણાવતા હતા ત્યારે માણેકનાથ બાબા દિવસે ગોદડી સિવતા હતા અને રાત્રે તે ગોદડીના ટાંકા તોડી નાખતા હતાં ત્યારે ચણતર થયેલો કોટ પણ તુટી જતો હતો. બાદશાહે આ ચમત્કાર રૂબરૂ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી માણેકનાથે પાણીની ઝારી મંગાવી હતી અને માણેકનાથે પોતાના સ્થળ દેહને સુક્ષ્મદેહ બનાવી પાણીની ઝારીમાં સમાવી લીધો હતો. તે પછી બાદશાહે ઝારીના તમામ છિદ્રો બંધ કરાવી દીધાં હતા. પાણીની ઝારીમાં પુરાયેલા માણેકનાથને બાદશાહે પોતાની ઈચ્છા જણાવવાનું કહેતાં તેઓએ તે સ્થળે પોતાનું સ્મારક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે અનુસાર માણેકનાથના નામ ઉપરથી અમદાવાદ ખાતે માણેકચોક નામ અપાયુ હતુ. ત્યાં માણેકનાથનું મંદિર પણ બનાવેલુ છે. ઝારીમાં પુરાયેલા માણેકનાથે ચમત્કાર સર્જી માણેકચોકથી ભૂગર્ભમાં ભોયરાની રચના કરી હતી. કહેવાય છે કે આ ભોયરૂ માણેકચોકથી દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર સુધી બનાવાયું હતુ. અત્યારે પણ આ જગ્યા માણેકનાથ ગુફા તરીકે પ્રસિધ્ધ છે. વિશાળ અને રમણીય ડુંગર પર આવેલ માણેકનાથ ગુફા નિહાળવા લોકો આવતા રહે છે. વર્ષ ૨૦૦૭માં ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગરના તત્કાલીન મેનેજીંગ ડિરેક્ટરશ્રી પી.ડી.વાઘેલાએ આ સ્થાનની મુલાકાત લઈ નિગમ દ્વારા માણેકનાથ ગુફા સુધી પાકો રસ્તો અને વીજળીની સુવિધા કરાવી હતી. સરકારશ્રીની સહાય અને દાતાઓના સહયોગથી લોટોલ-માણેકનાથ સ્થળ ખુબ જ સુવિધાસજ્જ બનાવાયું છે. આ સુંદર સ્થળ દાંતાથી ૩૨ કિ. મી. ખેડબ્રહ્મા- અંબાજી રોડ ઉપર આવેલ હડાદથી ૨૦ કિ.મી. ના અંતરે આવેલુ છે ત્યાં જવા માટે પાકા રસ્તા અને બસની સુવિધા પણ ઉપલબ્ધ છે. સપરિવાર આ સ્થાનની મુલાકાત લઇ યાદગાર બનાવી શકાય છે. આખો દિવસ પરિવાર સાથે આનંદ, ઉત્સાહથી પસાર કરી શકાય તેવી આ સુંદર જગ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.