જિલ્લાના પશુપાલકોએ ૭૦૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડગામ : સમગ્ર દેશ અને દુનિયામાં લોકચાહના ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ મા જન્મદિનની બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોએ ૭૦ હજાર વૃક્ષો વાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી. દેશ અને દુનિયામાં અલગ અલગ અંદાજમાં નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બનાસવાસીઓએ પણ તેમના પર્યાવરણ પ્રેમને અનુસરીને ગામે ગામ વૃક્ષારોપણ કરીને વડાપ્રધાનના દીર્ઘાયુ અને તંદુરસ્તી ભર્યા જીવન માટે શુભાશિષ પાઠવ્યા હતા. બનાસ ડેરીના પાલનપુર, લખનૌ, કાનપુર, ફરીદાબાદ ખાતેના પ્લાન્ટો ઉપરાંત જિલ્લાભરની દૂધ મંડળીઓ અને ગામે ગામ દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને પશુપાલકોએ વડ અને પીપળાના વૃક્ષોનું વાવેતર કરીને તેમનું જતન કરવાના પણ સંકલ્પ લીધા હતા.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વડગામ તાલુકાના જલોત્રા ગામેથી મુખ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પર્યાવરણ પ્રેમ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે, ત્યારે તેમના જન્મદિને પર્યાવરણની રક્ષા થાય અને તેનું જતન થાય તે માટે જિલ્લાના સૌ પશુપાલકો સંકલ્પ લઈને સમગ્ર જિલ્લામાં ૭૦ હજાર વૃક્ષોનું વાવેતર આજે કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વડ અને પીપળના વૃક્ષોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટેની શુભકામનાઓ પાઠવતા તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનથી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમી બનાસ ડેરી વિશ્વમાં નંબર વન ડેરી તરીકે ખ્યાતિ પામી છે.

જલોત્રા અને આજુબાજુનો ધાણધાર પ્રદેશ તેની અસલિયત ગુમાવીને પાણીના અભાવે સૂકો પ્રદેશ બની રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે વૃક્ષારોપણ અને જળસંચયના કામો થકી આ વિસ્તાર તેની હરિયાળી પ્રકૃતિ પાછી મેળવશે તેવો મને વિશ્વાસ છે. તેમને જણાવ્યું કે આ જ મલકના ઋષિ સમાન સ્વ. ગલબાકાકાએ બનાસડેરી રૂપે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્વ. ગલબાકાકાએ જોયેલા સપના સાકાર થઇ રહ્યા છે. આ વિસ્તારના ભણેલા ગણેલા યુવાનો ધંધા વ્યવસાય દ્વારા ઉદ્યમશીલ બને તે માટે આ વિસ્તારમાં જીઆઇડીસીની સ્થાપના થાય તેવી નેમ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે જો આ વિસ્તારના આગેવાનો આગળ આવશે તો અહીં જીઆઇડીસી સ્થાપનાની પણ ઉજળી તકો જણાઈ રહી છે. પરિણામે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા અંબાજી હાઈવે ધમધમતો થાય તેવી પણ ઉજળી તકો છે. તેમણે ગૌશાળા સંચાલકોની વેદનાને વાચા આપવા બદલ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણી ડેરી વિશ્વની નંબર વન ડેરી બની છે.

બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી દલસંગભાઈ પટેલે જણાવ્યું કે બનાસડેરીને સફળતાના ઉચ્ચ શિખરે પહોંચાડવા ચેરમેન શંકરભાઈ રાત દિવસ મહેનત કરે છે અને પશુપાલકોને પુરતું વળતર મળે તે માટેનો તેમનો અથાગ પ્રયત્ન અભિનંદનીય છે. તેમના થકી હજુ પણ આવનારા સમયમાં બનાસ ડેરી વધુ વિકસે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. સામાજિક અગ્રણી પચાણભાઈ પટેલે ચેરમેન શંકરભાઈના પારદર્શક વહીવટની પ્રશંસા કરતાં જણાવ્યું કે દૂધના વ્યવસાયની સાથે વિવિધ પ્રોજેક્ટો લાવીને શંકરભાઈ એ સાચા અર્થમાં જિલ્લાના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોની સેવા કરી છે તેનો ગુણ નહિ ભુલવા સૌને અપીલ કરી હતી. રાજપૂત સમાજ કેળવણી મંડળના પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડે ચેરમેન શંકરભાઈની કાર્યકુશળતા અને પશુપાલકોને મળેલા દૂધના ભાવો અને ભાવફેરની પ્રશંસા કરીને અભિનંદન આપતાં જણાવ્યું કે કેટલાક દૂધના વ્યવસાયને જાણતા પણ નથી અને ગાય કે ભેંસ ન રાખનારા તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી બનાસ ડેરીને નુકસાન કરી રહ્યા છે અને જિલ્લાના પશુપાલકોનું અહિત કરી રહ્યા છે. ડિરેક્ટર ફલજીભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા,દિનેશભાઈ ભટોળ, ગોવિંદ ચૌધરી, મોઘજીભાઈ પ્રોફેસર, કાંતિભાઈ મેવાડા, પ્રવિણસિંહ હડીયોલ સહિત સમગ્ર વડગામ તાલુકામાંથી આગેવાનો અને સહકારી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.