પાકિસ્તાની જાસૂસની NIA દ્વારા ગોધરાથી મોડી રાત્રે ધરપકડ, ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં મોકલતો હતો

ગુજરાત
ગુજરાત

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમે ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને સોમવારે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે. NIAની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી દીધી છે. ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે.

પાકિસ્તાન માટે જાસૂસ કરતો 37 વર્ષીય ઇમરાન ગિતેલી મૂળ ગોધરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. આ અંગે માહિતી મળતાં NIAની ટીમ ગોધરા ખાતે પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઇમરાન યાકુબ ગિતેલી ગોધરાનો રિક્ષાચાલક છે અને તેનાં સગાં પાકિસ્તામાં જ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.

NIAના જણાવ્યા મુજબ, આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટનો છે, જેમાં પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી કરવામાં આવે છે, જેનું કામ ભારતીય નૌસેનાનાં જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોનાં લોકેશન સંદર્ભે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું હોય છે અને તમામ માહિતીને પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. NIAએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

દેશની સુરક્ષાને લગતી મહત્વની ગણાતી વિગતો પાકિસ્તાનના ISIને આપવામાં આવી હતી. જેને બદલામાં એસોસિયેટ બેંક એકાઉન્ટ થકી રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. આ મામલે 15 જૂને NIAએ 14 આરોપીઓ સામે ચાર્જશિટ દાખલ કરી હતી. જાસૂસી ષડયંત્રમાં ઇમરાન ગિતેલીની મહત્વની ભૂમિકા સામે આવી હતી. ઇમરાન ગિતેલી રીક્ષા ચલાવવાની સાથે પાકિસ્તાન સાથે કાપડનો પણ વેપાર કરતો હતો. તેણે સંવેદનશિલ અને વર્ગીકૃત માહિતીના બદલામાં તેને ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્ફસર કર્યાં હોવાનું ખુલ્યું છે.

NIAની ટીમે ઇમરાન ગિલેતીના ઘરે સર્ચ કરીને ડિજીટલ ડિવાઇઝ અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યાં છે અને વધુ તપાસ માટે તેને હેદરાબાદ લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.