થરાદના ખોરડાના પાટીયા પાસે વિદેશી દારૂ ભરેલ ઇકો ઝડપાઈ
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદમાં પેટ્રોલિંગ દરમિયાન ભુજની આર.આર.સેલ પોલીસે ખોરડાના પાટીયા પાસે બાતમીના આધારે નાકાબંધી કરી ઇકો કારમાંથી વિદેશી દારૂની ૧૦૬૦ બોટલ કબજે લીધી હતી. જોકે ત્રણ શખશો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ મહાનિર્દેશક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભૂજ કચ્છના માર્ગદર્શન તથા સુચના મુજબ આર.આર.સેલ સરહદી રેન્જ ભૂજના ભૂરાજી નાગજીભાઇ તથા પ્રકાશચંદ્ર અમૃતલાલ તથા અમરતભાઇ હાથીભાઇ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પ્રકાશચંદ્ર અમૃતલાલને મળેલ બાતમી મુજબ થરાદ-જેતડા રોડ ઉપર ખોરડા ગામના પાટીયા નજીક શંકાસ્પદ ઇકો કાર આવતાં નાકાબંધી કરી હતી. જો કે ઇકો કારનો ચાલક તથા બીજા બે અજાણ્યા શખસો કાર રોડ ઉપર થોડે દૂર મૂકીને નાસી
છુટ્યા હતા. પોલીસે તેમનો પીછો કરતાં પકડાયેલ ન હતા. આથી પોલીસે તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૬૦ કુલ કિ.રૂ.૧,૫૭,૩૦૦ની મળી આવી હતી. પોલીસે ઇકો કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૫૭,૩૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.