વડગામના મગરવાડા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં સંત સંમેલન યોજાયું
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે મણીભદ્ર વીર મહારાજના મંદિરે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા મહારાજ સાહેબ ગુરુજીના અવતરણ દિવસ નિમિત્તે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં માનવતા પ્રસાદમ રથ- સંત સંમેલનમાં યોજાયું હતું.આ પ્રસંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવામાં સંતગણનો બહુ મોટો ફાળો છે. પરમ પૂજનીય વંદનીય સંતગણના આશીર્વાદ થકી આપણી સંસ્કૃતિની આજે જગતભરમાં ચર્ચા થાય છે એ આપણા સૌ માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે આવા સંતગણના સંમેલન થકી ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ થાય છે.
મંત્રીએ આદરણીય ભાઈ મહારાજને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તેમાં જોડાઈને આપણા ગામને સ્વચ્છ, સુંદર બનાવીએ. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી અનેકવિધ વિકાસના કાર્યો થયા છે અને આવતીકાલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બનાસની ધરતી પર માં અંબા ના દર્શન કરવા પધારી રહ્યા છે અને આજે સંતમહિમા મંચ પણ ઉપસ્થિત છે ત્યારે માતાજીના આશીર્વાદ સૌ પર વરસતા રહે એવી પ્રાર્થના કરું છું.આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પરમ પૂજ્ય અવિચલ દેવચાર્યજી મહારાજ, પ. પૂ. દિલીપદાસજી મહારાજ, મહંત મોહનદાસજી મહારાજ, મહંત વિજય સોમજી મહારાજ સહિત ના સંતઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.