અરુણાચલ પ્રદેશના 5 યુવકોને 12માં દિવસ ચીનની સેનાએ ભારતને સોંપ્યા, 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલ પાંચ ભારતીય નાગરિકોને ચીનની સેના દ્વારા ભારતીય સેનાને સોંપવામાં આવ્યા છે. તમની 12 દિવસ બાદ વતન વાપસી થઇ છે. સેનાએ કહ્યું કે, હેન્ડઓવરની આ કાર્યવાહી ચીનની સરહદમાં થઈ હતી. લગભગ એક કલાક સુધી ડોક્યુમેન્ટની કાર્યવાહી ચાલી હતી. હવે તેમને કોરોનાના કારણે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને તેમના પરિવારને સોંપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ શુક્રવારે પાંચેય યુવકોને ભારતને સોંપવાની વાત જણાવી હતી. તેમણે ટ્વિટ કરી કહ્યું હતું કે ચીન તરફથી યુવકોને છોડવા માટેની સહમતી થઇ છે, અને ગમે તે સમયે ચીનથી યુવકોની વતન વાપસી થવાની વાત જણાવી હતી.

આ પાંચેય યુવક 1 સપ્ટેમ્બરે લાપતા થયા હતા. ત્યાર બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરના રોજ, ભારતીય સેનાએ હોટલાઇન દ્વારા સંપર્ક કર્યો હતો અને તેમના વિશે માહિતી માંગી હતી. 8 સપ્ટેમ્બરના રોજ હોટલાઈન પર, ચીને પુષ્ટિ કરી કે આ યુવકો તેમની સરહદમાં છે. ત્યારે ભારતે ડિપ્લોમેટિક અને સૈન્ય દ્વારા આ યુવાનોને ચીનથી વતન વાપસી કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

પાંચેય યુવકોના પરિવારે જણાવ્યું હતું કે આ લોકો મેકમોહન લાઇનની પેટ્રોલિંગ કરી રહેલા જવાનો, એટલે કે લોંગ રેંજ રિકોનસન્સ પેટ્રોલ (LRRPs) પર કર્મચારીઓ માટે જરૂરી સામાન લઈ જતા હતા. તેઓ પોર્ટર્સ તરીકે સર્વેલન્સ ટીમમાં શામેલ થયા હતા. તેમની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચેની છે. પરિવારને આશંકા હતી કે આ યુવકો ડુંગરોમાં પરંપરાગત ઔષધિઓની શોધખોળ કરતી વખતે મોનિટરિંગ દળથી અલગ થઇ જતા ભટકી ગયા હશે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 5 સપ્ટેમ્બરે અરુણાચલ કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે ટ્વિટર પર દાવો કર્યો હતો કે ચીની સૈન્ય દ્વારા 5 લોકોનું અપહરણ કરાયું છે. તેઓએ યુવકોનું નામ ટોક સિંગકમ, પ્રસાત રિંગલિંગ, ડોંગટુ ઇબિયા, તાનુ બેકર અને નાગરુ દીરી બતાવ્યું હતું. એરિંગે કહ્યું હતું કે ચીની સૈનિકોએ નાછો ટાઉનમાં રહેતા પાંચ છોકરાઓનું અપહરણ કર્યું છે. તેમણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને અપીલ કરી હતી કે પાંચેય છોકરાઓને સલામત રીતે પરત લાવવા જોઈએ.

આ છોકરાઓ તાગિન સમુદાયના છે. એરિંગના દાવા મુજબ, ચીનોના સૈનિકોએ નાછો પ્રદેશના જંગલમાંથી ઝડપી લીધા હતા. આ વિસ્તાર સુબાનસિરી જિલ્લામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.