પાલનપુરના વિકાસ નકશાના નામે થયેલા ઉઘરાણાના નાણાં પરત ચૂકવવા પાલિકાને નોટિસ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં વિકાસ નકશાના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણુ થયું હોવાની રાવ છેક સી.એમ.કક્ષાએ પહોંચી છે. ત્યારે વિકાસ નકશાના નામે થયેલા ઉઘરાણાના નાણાં પરત ચૂકવવા કાૅંગ્રેસી નગરસેવક દ્વારા વર્તમાન તથા તત્કાલીન ચીફ ઓફિસર સહિતના જવાબદારોને નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસ નકશામાં થયેલી વ્યાપક ગેરરીતિઓ સામે ખુદ ભાજપ સંગઠને પણ બાંયો ચડાવી હતી. ત્યારે હવે વિપક્ષ કોંગ્રેસના નગર સેવક કનુભાઈ એન. પટેલે પાલિકાને આપેલી નોટિસમાં બનાસકાંઠા કલેકટર અને મ્યુનિસિપાલીટીના રિજિયોનલ કમિશનરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન અને સમિતિના સભ્યો તેમજ વર્તમાન તથા તત્કાલીન ચીફ ઓફિસર સહિતના જવાબદારોએ પાલનપુરના વિકાસ વિસ્તારની હદ બહાર પાલનપુર વિકાસ સત્તામંડળ દ્વારા અનઅધિકૃત રીતે વિકાસ નકશાઓ મંજૂર કે નામંજૂર કરી અરજી ફી, નકશાઓની ચકાસણી ફી તથા વિકાસ ફીના નામે જાહેર જનતા પાસેથી વસૂલવામાં આવેલ કરોડો રૂપિયા પરત ચૂકવવા જોઈએ. અને હવે પછી તેમના અધિકાર ક્ષેત્ર બહારની પ્રવૃતિઓ અને હસ્તક્ષેપ બંધ કરવા જોઈએ.
પાલનપુર વિકાસ વિસ્તારની હદ બહારના લોકો પાસેથી અનઅધિકૃત રીતે નાણાં ઉઘરાવવાનું કામ અને પ્રજા સાથેની છેતરપિંડીના ગુનાહિત કૃત્યો જાન્યુ. ૨૦૧૫ના સમયથી થયા છે. એમાં વર્તમાન ચીફ ઓફિસર અને તમામ વિકાસ વિસ્તાર સમિતિના તત્કાલિન હોદ્દેદારો અને તત્કાલિન ચીફ ઓફીસરો પણ જે તે સમયે આ પ્રકારના કામે સમાન રીતે જવાબદાર છે. આ બાબતે મ્યુનિસિપાલીટીના રિજિયોનલ કમિશનર દ્વારા તપાસ કરાવી ચીફ ઓફિસર સહિતના જવાબદારોને તેમણે ગેરકાયદેસર રીતે ઉઘરાવેલા કરોડો રૂપિયા અરજદારોને પરત ચૂકવવાનો આદેશ કરવામાં આવે તે જાહેર જનહિતમાં જરૂરી છે. આ નોટિસથી ભાજપી વર્તુળો સહીત પાલિકા વર્તુળોમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.