સાબરકાંઠા પોષણ માહ ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળન્યુઝ સાબરકાંઠા : દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણ નાબુદ થાય અને ભારતનું ભવિષ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બને તે માટે ‘પોષણ માહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ વર્ષે પોષણ માહ અંતર્ગત પાંચ મુખ્ય બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન અને પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે. દરેક આંગણવાડીમાં આ પાંચ બાબતોને ધ્યાને રાખીને કામગીરી કરવા પર ભાર આપવામાં આવશે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી હોઇ સોશિયલ મીડિયાના માધ્યમથી સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, બાળકોના માતા-પિતાને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. બાળકોને પૂરતું પોષણ મળી રહે એ માટે કીચનગાર્ડન (ન્યૂટ્રીશીયન ગાર્ડન) કરવા માટે અને કુપોષિત બાળકોના પાલક માતા-પિતાનો સંપર્ક કરી તેમને પૂરતી સમજ આપવા તેમજ ભારતની આવનારી પેઢી સુપોષિત થાય તે માટે સહિયારા પ્રયાસો કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલે બેઠકમાં માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોષણ અભિયાનને સફળ બનાવવા આંગણવાડી કાર્યકરો ઘરે-ઘરે મુલાકત, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર, વેબિનાર, પૂર્વ પ્રસૂતિ તપાસ, સુખડી વિતરણ, હેન્ડ વોશ નિદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સૂત્ર ‘સહી પોષણ દેશ રોશન’ ના ધ્યેય સાથે પોષણ માસની ઉજવણી કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડો. રાજેશ પટેલ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી જોષી, અન્ય અમલીકરણ અધીકારીઓ તેમજ વિવિધ તાલુકાની બાળ વિકાસ યોજના અધિકારી બહેનો ઉપસ્થિત રહી હતી. બેઠકને અંતે સૌએ દેશમાંથી કુપોષણને દૂર કરી પોષણયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.