મેઘરજ તાલુકાના રેલ્લાવાડાથી નહેરુકંપા સુધીના રોડનું ભિલોડા ધારાસભ્યના હસ્તે ભૂમિપૂજન કરાયું
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે નવા રોડ આકાર પામી રહ્યા છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી બનાવેલ રોડ તૂટી ગયા પછી વર્ષો જૂની નવા રોડની માગણીનો આજે અંત આવ્યો છે.મેઘરજ તાલુકાના અંતરિયાળ ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ અને રેલ્લાવાડાથી નહેરુકંપા સુધીનો રસ્તો 20 વર્ષ અગાઉ બન્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી આ રસ્તો હાડપિંજર જેવો ચીંથરે હાલ સ્થિતિમાં થયો છે. દરરોજના હજારો નાના-મોટા વાહનો આ રસ્તે પસાર થાય છે. જેના કારણે વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. કમરતોડ રસ્તાના કારણે વાહનોમાં પણ નુકશાની વેઠવાનો વારો હતો. આ વિસ્તારના લોકોની વર્ષોથી નવા રોડ માટે માગણી હતી.
ત્યારે ધારાસભ્ય પી.સી બરંડા ,તેમજ સંગઠનના પ્રયાસથી રેલ્લાવાડાથી નહેરુકંપા સુધીનો રૂપિયા 8.56 કરોડના ખર્ચે 14 કિમીનો રસ્તો મંજુર થતા આજે ભિલોડા – મેઘરજ ધારાસભ્ય પી.સી બરંડા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોરના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. વર્ષો જૂની માગ સંતોષાતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ડામોર, મેઘરજ તા.પ પ્રમુખ જયાબેન મનાત, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ડામોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.