ભાભર તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ : ભાજપે સત્તા આંચકી લીધી
રખેવાળ ન્યુઝ ભાભર : ભાભર તાલુકા પંચાયત બીજી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ગતરોજ ચુંટણી યોજાઈ હતી. કોંગ્રેસના ત્રણ તેમજ એક અપક્ષ કુલ ચાર સદસ્યોએ પક્ષ વિરોધી મતદાન કરતા અને કોગ્રેસના ૨ સભ્યો ગેરહાજર રહેતા સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે.
ભાજપના ઉમેદવાર તરફી ૯ મત જ્યારે કોગ્રેસ ઉમેદવારને ૬ મત મળતાં ભાજપના હકીબેન ઠાકોર વિજેતા જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં હર્ષની લાગણી છવાઈ છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ગામ અબાસણાના હકીબેન લેહરાજી ઠાકોર પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ ગેમરજી ઠાકોર ચૂંટાયા છે. અત્રે નોંધનીય છે કે ભાભર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી લીધી તેનું કારણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સગાવાદ નીતિઓ તરફી વલણ અપનાવતા બહુમતી ધરાવતા કોંગ્રેસના સભ્યોએ પક્ષના વિરોધ મતદાન કર્યું હોવાની ચર્ચાઓ પંથકમાં થઈ રહી છે.