ભારતમાં પુનરાગમન માટે પબજીએ મોટો નિર્ણય લીધો; ચીનની રોકાણકાર ટેન્સેન્ટ ગેમ્સ સાથે કોરિયાની કંપની છેડો ફાડશે

Business
Business

દક્ષિણ કોરિયાની કંપની પબજી કોર્પોરેશને પોતાની પોપ્યુલર ગેમ પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ (પબજી) ને ફરીથી ભારતમાં લાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. આ માટે પબજી કોર્પોરેશને ચીની કંપની ટેન્સેન્ટ સાથે છેડો ફાડવા જઈ રહી છે.કંપનીએ એક બ્લોગમાં કહ્યું છે કે તેણે ચીની કંપની ટેન્સેન્ટ ગેમ્સના પબ્લિશ રાઈટ્સને ખતમ કર્યા છે. પબજીના આ પગલા બાદ હવે એવુ માનવામાં આવે છે કે ટેન્સેન્ટ ગેમ્સ સાથેના રોકાણ સહિત અન્ય તમામ સંબંધોનો પણ અંત લાવી શકે છે.

કેન્દ્ર સરાકરે સુરક્ષાકારણોથી 2 સપ્ટેમ્બરના રોજ ચીનની કંપની સાથે જોડાયેલી 118 એપ પર પ્રતિબંધ મુક્યો હતો. તેમા પોપ્યુલર ગેમ પબજીનો પણ સમાવેશ થતો હતો. આ એપ પર સુરક્ષા કારણોથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સરકારે પબજીના મોબાઈલ વર્ઝન પર પ્રતિબંધ મુક્યો હતો. તેમા ફુલ અને લાઈટ બન્ને વર્ઝનનો સમાવેશ થાય છે. સરકારે અત્યાર સુધી ચીન સાથે સંકળાયેલી 224 એપ પર પ્રતિબંધ મુક્યો છે.

પબજી કોર્પોરશને તેના બ્લોકમાં કહ્યું કે બદલાઈ રહેલી સ્થિતિમાં કંપનીએ પબજી મોબાઈલ ફ્રેચાઈઝીની પબ્લિશિંગને લગતી જવાબદારી પોતે જ લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે આગામી સમયમાં અમે ભારતના યુઝર્સને પબજી જેવા અહેસાસ માટેના વિકલ્પ પર કામ કરી રહ્યા છીએ. અમે અમારા યુઝર્સને ટૂંક સમયમાં એક તંદુરસ્ત ગેમપ્લેનું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

પબજી ગેમને દક્ષિણ કોરિયાની કંપની પબજી કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ગેમ પીસી, એક્સબોક્સ તથા પ્લેસ્ટેશન પર છે. જોકે, આ ગેમનું મોબાઈલ વર્ઝન ચીની કંપની ટેન્સેન્ટ હોલ્ડિંગ્સની સિસ્ટમ કંપની ટેન્સેન્ટ ગેમ્સ સાથે મળી તૈયાર કરવામાં આવ્યુ છે. મોબાઈલ પર પબજીના ફૂલ-ફ્લેગ અને લાઈટ વેરિએન્ટ ઉપલબ્ધ છે.

પબજી કોર્પોરેશને કહ્યું છે કે ભારતમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ પર તાજેતરમાં જે પ્રતિબંધ મુકવામાં આવ્યા છે ત્યારબાદ અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. કંપનીએ કહ્યું છે કે પબજી કોર્પોરેશન ભારત સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધનું સન્માન કરે છે. પ્લેયર્સના ડેટાની સુરક્ષા કંપનીની પ્રાથમિકતા છે. કંપનીનું કહેવું છે કે અમે ભારત સરકાર સાથે મળી સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા છીએ,જેથી ગેમર્સ ફરી એક વખત ભારતીય કાયદાઓ અને નિયમનો સાથે પબજીનો આનંદ માણી શકે.

વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી ગેમ્સની યાદીમાં ટોપ-5માં પબજી છે. સેન્સર ટાવરના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં પબજી 73 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ પૈકી 17.50 કરોડ એટલે કે 24 ટકા વખત ભારતીયો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આ દ્રષ્ટિએ પબજી રમનાર પ્રત્યેક 4 પૈકી એક ભારતીય છે.

પબજી ગેમિંગની દુનિયામાં સૌથી વધારે આવક રળનારી ગેમ છે. સેન્સર ટાવરના મતે અત્યાર સુધી પબજી 3 અબજ ડોલર એટલે કે 23 હજાર 745 કરોડની આવકની કમાણી કરી ચુકી છે. પબજીનો 50 ટકાથી વધારે હિસ્સો ચીનથી મળે છે. જુલાઈમાં પબજીએ 208 મિલિયન ડોલર (1,545 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. એટલે કે જુલાઈમાં પબજી દરરોજ 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે

પબજી પર પ્રતિબંધ બાદ અનેક સ્વદેશી કંપનીઓએ ગેમ રજૂ કરવા માટે તૈયારી દર્શાવી છે. બોલીવૂડના સ્ટાર અક્ષય કુમારે પણ પબજી જેવી FAU-G ગેમ રજૂ કરવાની જાહેરાત કરી છે. અક્ષય કુમારે પોતાની આ ગેમના પોસ્ટર પણ જાહેર કર્યા છે. આ ગેમ ઓક્ટોબરના અંત ભાગ સુધીમાં લોંચ થઈ જશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.