બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના સૂત્રધારો સામે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી ક્ષિતિજે ડોકાઈ રહી છે. ત્યારે સત્તા હસ્તગત કરવા અવનવા પેંતરા રચાઈ રહ્યા છે. ત્યારે જીલ્લા ખરીદ-વેચાણ સંઘના સૂત્રધારો સામે ખુદ સંઘના ડિરેક્ટરે જ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા સહકારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા જીલ્લા ખરીદ-વેચાણ સંઘના ડીરેક્ટર કાળુભાઇ રામજીભાઇ પટેલે સંઘના મેનેજર નાગરભાઇ હીરાભાઇ પટેલ, વર્તમાન ચેરમેન દેવજીભાઇ પ્રેમાભાઇ પટેલ તેમજ પૂર્વ ચેરમેન મેઘરાજભાઇ ગલબાભાઇ પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આ ત્રણેય સત્તાધિશોએ ભેગા મળી ધી બનાસકાંઠા જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની ૨૦૨૦-૨૧માં યોજાનાર ચૂંટણીમાં લાભ લેવાના ઇરાદાથી બનાવટી ઠરાવ દ્રારા નવિન ૯૦ મંડળીઓને દાખલ કરી હતી. જેમાં સભાસદ મંડળીઓ દાખલ કરવા ખોટું રેકર્ડ બનાવી અસલ રેકર્ડનો દુરૂપયોગ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હોવાનું જણાવતા ચકચાર મચી જવા પામી છે. જીલ્લા સંઘના ચેરમેન-મેનેજર અને પૂર્વ ચેરમેન સાથે ફરીયાદીએ રજીસ્ટ્રારની કચેરીની ભૂમિકા સામે પણ શંકાની સોંય તાકી છે. જેમાં આ ત્રણેય ઇસમોએ બનાવટી રેકર્ડ આધારે રોજમેળ અને વાર્ષિક હીસાબોમાં છેડછાડ કરી સંચાલક મંડળની જાણ બહાર મતદારો ઉમેરી દીધા હતા. આ પછી જીલ્લા રજીસ્ટ્રારની કચેરી તથા ચૂંટણી અધિકારી(નાયબ કલેક્ટર- પાલનપુર) નાઓ દ્રારા ચૂંટણીની કામચલાઉ મતદાર યાદી બહાર પડી હતી. જેમાં ખોટી મતદાર યાદીને ખરી તરીકે રજૂ કરી ચૂંટણીમાં પોતાનો લાભ મેળવવા ત્રણેય ઇસમોએ ગુનાહિત કાવતરૂ રચી ગુનો કર્યો હોવાનું ફરીયાદ દાખલ કરાવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.