ગજાપુરા ગામના તળાવ પાસેના ખાડામાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત
પંચમહાલ: ઘોઘંબાના ગજાપુરા ગામ કરુણ ઘટના બની છે. ગામમાં આવેલ તળાવ પાસે બનાવાયેલ ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોના મોત નિપજ્યા છે. વહેલી સવારે ચારેય બાળકો રમતા રમતા ખાડામાં ન્હાવા પડ્યા હતા. એક જ ગામના 4 માસુમ બાળકોના મોત થતા પરિવારમાં ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચારેય બાળકોની લાશને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી હતી. તમામ બાળકો 10 થી 12 વર્ષની ઉંમરના છે. અન્ય સાથી બાળકોએ ડૂબી ગયા અંગેની જાણ કરતા જ ગામલોકો દોડી આવ્યા હતા.
આ ઘટના વિશે ગામના માજી સરપંચ સુરેશભાઈ પટેલે જણાવ્યું કે, વાસ્મો વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે ઘટના બની હોવાની ચર્ચા છે. પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં બાજુમાં ઊંડો ખાડો કરેલો હતો. ખાડાની ફરતે બેરીકેટિંગ કે સુરક્ષાને લઈ કોઈ આડસ મુકેલી નહોતી. ખાડા ફરતે સુરક્ષા ન હોવાથી બાળકો ખાડામાં ગરકાવ થયા હોવાનું અનુમાન છે.
મૃત્યુ પામનાર બાળકોના નામ
૧) સંજય વીરાભાઈ બારીયા, 10 વર્ષ
૨) રાહુલ રમેશભાઈ બારીયા, 11 વર્ષ
૩) પરસોત્તમ રાજુભાઇ બારીયા, 9 વર્ષ
૪) અંકિત અરવિંદભાઈ બારીયા, 11 વર્ષ
Tags dead india PANCHAMAHAL Rakhewal