12.83 લાખનો સરંજામ જપ્ત, પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરી કરતા બે રંગે હાથ જબ્બે

ગુજરાત
ગુજરાત

ડીપીટી,કંડલાથી ખારીરોહર તરફ જતી પાઈપલાઈનમાં બાકોરુ પાડીને ડીઝલ ચોરી કરતા શખસોને રંગે હાથ કંડલા મરીન પોલીસે ઝડપી પાડ્યા હતા. જેથી સ્થળ પરથી 7 થી 8 લોકો ભાગી છુટ્યા હતા તો બેને પોલીસે પકડી પાડીને 3640 લીટર ડીઝલ સહિત 12.83 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ વખતે આશ્ચર્યજનક રીતે તસ્કરો ટ્રક લઈને આવ્યા હતા, જેથી આ જથ્થો અહીથી ભરીને દુર લઈ જવાનું પ્લાનીંગ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ પ્રતિત થતું હતું.

કંડલા પાસેથી પસાર થતી પાઈપલાઈનમાં બાકોરુ પાડીને તેમાંથી ડીઝલના કેરબા ભરીને બારોબાર વેંચવાના કારોબારમાં વધુ એક વાર પ્રયાસ થઈ રહ્યાની જાણ થતા બુધવારના મોડી રાત્રે કંડલા મરીન પોલીસે કી પોઈન્ટ્સ પર વોચ ગોઠવી હતી. નવનિયુક્ત પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું કે ચોરી કરતા તત્વો અઠંગ હોવાની શક્યતા હોઇ પુર્ણ તૈયારીઓ રેકી કરતા હોવાની બાતમી હતી. જેથી તેમને શક ન જાય તે રીતે ટીમો બનાવીને પોલીસે ફસવાઈ કંપની પાસે, નકટી પુલ જતા રસ્તે તપાસ કરતા શંકાસ્પદ લાગતા ટ્રકને રોક્યું હતું, તો તેની પાસેજ વહેલી પરોઢના પીલર નં. 345 પાસેથી લાઈન પાસેથી ડીઝલનો જથ્થો પણ મળી આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમમાં સાત થી આઠ લોકો જે અલગ અલગ રીતે આ સમગ્ર ચોરી પ્રકરણમાં જોડાયેલા હતા તે ભાગી છુટ્યા હતા. બીપીસીએલ કંપનીમાં મનેજર તરીકે ફરજ નિભાવતા નરેશ પરસોતમદાસ ચંદાનીને ફરિયાદી બનાવીને પોલીસે ઝડપાયેલા આરોપી અમરત ખેતાભાઈ કોલી (ઉ.વ.25) (રહે. રબારીવાસ, ભચાઉ, હાલે શાંતિધામ, વરસામેડી) અને કાનજી રણછોડભાઈ કોલી (ઉ.વ.35) (રહે. મુળ છાડવાડા, ભચાઉ, હાલે રતનાલ), હાથે ના આવેલા ટીનાભાઈ કોલી (રહે. શાંતિધામ, વરસામેડી) અને અન્ય સાત થી આઠ શખસો વિરુદ્ધ ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એક્ટ, પેટ્રોલીયમ એન્ડ મીનરલ્સ એક્ટ સહિતની કલમો તળે ગુન્હો નોંધ્યો હતો. કાર્યવાહિમાં પોલીસે સ્થળ પરથી 2,83,920 કિંમતના 3640 લીટર ડીઝલ ભરેલા 104 કેરબા, 10 લાખની કિંમતની જીજે 03વી 9072 ટ્રક, અને ડીઝલ કાઢવા માટે ઉપયોગમાં લીધેલા પાઈપના ટુકડાઓ મળીને કુલ 12,83,920નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એમ. જાડેજા સાથે પો. હેડ. નરેંદ્રસિંહ જાડેજા, તુલશીભાઈ મેવાડા, ઉદયસિંહ ઠાકરો, કિશોરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ડીઝલ જેવા જ્વલનશીલ લીક્વીડનું વહન કરતી પાઈપલાઈનમાંથી ચોરીને રોકવા સઘન પેટ્રોલીંગની માંગ લાંબા સમયથી થતી રહે છે, પરંતુ 11 કિલોમીટરના આ પ્રશ્નને હલ કરવા માટે તેના પર સ્ટ્રીટ લાઈટ ગોઠવવાની કંપનીઓની માંગને પણ સંલગ્ન પ્રશાસન દ્વારા સાંભળવામાં ન આવતું હોવાની રાવ છે. જ્યારે કે પોલીસ પ્રશાસનનું કહેવું છે કે જો પાઈપલાઈન પર લાઈટની વ્યવસ્થા કરાય તો પેટ્રોલીંગમાં મદદ મળી શકે છે.

 

ડીપીટી, કંડલા પાસેથી પસાર થતી આ 11 કીમીની પાઈપલાઈનની સુરક્ષાની જવાબદારી અગાઉ સીઆઈએસએફ પાસે હતી. થોડા વર્ષે પહેલા તે પરત ખેંચી લેવાઈ અને પોર્ટે માત્ર તે પોતાના પુરતી સીમીત રાખી છે. માત્ર પોર્ટ નહિ, પરંતુ સમગ્ર શહેરની સુરક્ષા સંલગ્ન બાબત છે ત્યારે આ અંગે પોર્ટની નિષ્કાળજી અને જનપ્રતિનીધીઓની નિરસતા પણ ગંભીરતાનો અભાવ દર્શાવતી હોવાનું જાણકારોનું કહેવું છે. હંમેશની જેમ કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદજ પ્રશાસન દોડતું થશે? તે પ્રશ્ન ઉઠવા પામ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.