સી આર પાટીલે જગતજનની મા અંબાના દર્શન કર્યા, અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા

ગુજરાત
ગુજરાત

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શન કરીને તેમના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. જો કે અંબાજીમાં જ ભાજપના કાર્યકરો અને નેતાઓ ટોળે વળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે આપેલા મંત્ર દો ગજ કી દૂરીનો ઉલાળ્યો કર્યો હતો.

અંબાજી ખાતે ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા સી આર પાટીલનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા વગાડી, પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક નૃત્યો સાથે પાટીલના અંબાજીથી શરૂ થતાં ઉત્તર ગુજરાત પ્રવાસનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, સાંસદ પરબત પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટીલ અંબાજીથી ભાજપા કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકોની ગાડીઓના વિશાળ કાફલા સાથે પાલનપુર પહોંચતાં કાર્યકરોએ ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડીને સ્વાગત કર્યુ હતું. વિશાળ કાર રેલી સ્વરૂપે સી.આર.પાટીલ બાબા સાહેબ આંબેડકર ભવન, પાલનપુર ખાતે પહોંચતા સ્થાનિક ભાજપા હોદ્દેદારઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ એસોસિએશનના પદાધિકારીઓએ ફુલહાર, મોમેન્ટો આપી તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કર્યુ હતું. આ પહેલા પાટીલનું દાંતા, જલોતરા અને રૂપપૂરા-ઢેલાણાં ખાતે સ્થાનિક અગેવાનોએ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપ સૌનો ઉત્સાહ જોઈને મને અનહદ આનંદ થયો છે, આજ પ્રકારના ઉત્સાહ સાથે અથાક પરિશ્રમ કરીને તમામ પડકારો ઝીલીને આપણે સૌએ સાથે મળી ઐતિહાસિક વિજય તરફ કૂચ કરવાની છે, મને ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની ક્ષમતા ઉપર ભરોસો છે.તેથી ગુજરાતમાં 182 બેઠક જીતવાનો નિર્ધાર કર્યો છે. પાટીલે કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં પણ જનસેવાનું અદભુત કાર્ય કરવા બદલ પાલનપુર શહેરના ભાજપા કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.