આફ્રિકન દેશ મોરોક્કોમાં આવ્યો 6.8 ની તીવ્રતાનો ખતરનાક ભૂકંપ, 296 લોકોનાં મોત
આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીં ધરતીમાં આવેલા આંચકા બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 296 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગઈકાલે રાત્રે 6.8ની તીવ્રતા સાથે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ કુદરતી આપત્તિ અંગે, દેશના યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ કહ્યું કે ઉત્તર આફ્રિકન રાષ્ટ્રના આ ભાગમાં 120 થી વધુ વર્ષોમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
આ ભૂકંપના કારણે હાહાકાર મચી ગયો છે. તમને જણાવી દઈએ કે આફ્રિકન અને યુરેશિયન પ્લેટોની વચ્ચે સ્થિત હોવાના કારણે મોરોક્કોમાં વારંવાર ભૂકંપ અનુભવાય છે. USGS એ જણાવ્યું કે 1900 થી, આ વિસ્તારના 500 કિમી વિસ્તારમાં કોઇપણ M6 લેવલ અથવા તેનાથી મોટો કોઈ ભૂકંપ આવ્યો નથી. અત્યાર સુધી અહીં M-5 લેવલના માત્ર 9 ભૂકંપ નોંધાયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, છેલ્લા સો વર્ષમાં આ ભાગમાં આ સૌથી મોટો ભૂકંપ છે. અગાઉ, 2004 માં ઉત્તર-પૂર્વ મોરોક્કોના અલ હોસીમામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જ્યારે 628 લોકોના મોત થયા હતા. તે દરમિયાન લગભગ 1000 લોકો ઘાયલ થયા હતા.