વન નેશન વન ઇલેક્શન પર નીતિશ કુમારે આપ્યું મોટું નિવેદન
કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેક્શનને લઈને એક સમિતિની રચના કરી છે અને તે સમિતિના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નિમણૂક કરી છે. ત્યારથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકાર સંસદના વિશેષ સત્ર દરમિયાન ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજવાની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. તમામ વિરોધ પક્ષોએ સર્વસંમતિથી આનો વિરોધ કર્યો છે. પરંતુ તે દરમિયાન I.N.D.I.A. મહાગઠબંધનમાં સામેલ જેડીયુ ચીફ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું કે વન નેશન વન ઈલેક્શન ખૂબ જ સારી છે. તે સ્પષ્ટ થઈ ગયું છે કે વિપક્ષી ગઠબંધન વન નેશન વન ઈલેક્શન પર સમાન અભિપ્રાય ધરાવતું નથી.
વન નેશન વન ઈલેક્શનના સવાલ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે મુંબઈમાં I.N.D.I.A. મીટીંગ ખુબ સારી રીતે ચાલી. હવે આપણે બધા સાથે મળીને લડીશું. 5 પ્રકારના કામો માટે કમિટી બનાવવામાં આવી છે.
બીજેપી પર નિશાન સાધતા સીએમ નીતીશ કુમારે વધુમાં કહ્યું કે પહેલા ઘણી વસ્તુઓ થતી હતી, દર 10 વર્ષે વસ્તીગણતરી પણ થતી હતી, પરંતુ તમે તે કરાવ્યું નથી. આવું થવું જોઈતું હતું. ગઈકાલે આ બધાની પણ ચર્ચા થઈ હતી. મને પહેલેથી જ શંકા છે કે તેઓ પહેલા ચૂંટણી યોજશે. તેઓ વિપક્ષની એકતાથી ખતરો અનુભવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ખૂબ જ પરેશાન છે.
ત્યારે, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે અમે તે મજબૂત વિકલ્પ તૈયાર કરી રહ્યા છીએ જે જનતા ઇચ્છે છે. એક સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી છે. ‘વન નેશન, વન ઈલેક્શન’ પહેલા તેઓએ ‘વન નેશન, વન ઈન્કમ’ કરવું જોઈએ. પહેલા લોકોને આર્થિક ન્યાય આપો. તેઓ સમગ્ર દેશને કબજે કરવા માંગે છે.