![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/22-21.jpg)
ડીસાની નવજીવન બી.એડ કોલેજમાં11 ફૂટની રાખડી દ્વારા લોકજાગૃતિનો સંદેશ
ડીસાની નવજીવન બી.એડ. કોલેજ ખાતે 11 ફૂટની વિશાળ રાખડીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. વેસ્ટ ચીજવસ્તુઓમાંથી બેસ્ટ રાખડી બનાવી વિદ્યાર્થીઓએ લોકોને શિક્ષણ, પર્યાવરણ અને દેશ વિકાસનો સંદેશ આપ્યો હતો.ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ. કોલેજમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં સેમેસ્ટર-1 ના 110 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક તાલીમાર્થીઓએ પોતાના કલા કૌશલ્યથી સુંદર મજાની રાખડી બનાવી હતી. ઘરે જે વેસ્ટ વસ્તુઓ પડી હોય તેમાંથી આકાર આપી સુંદર રાખડીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 11 ફૂટની વિશાળ રાખડી તૈયાર કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા ધાન્ય પાકો જેવા કે ચોખા, દાળ અને મગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવો, નેશનલ એજ્યુકેશન પોલીસી 2020, દીકરો દીકરી એક સમાન, જી-20 વગેરેના પોસ્ટર ચોંટાડી વિશ્વ બંધુત્વનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ.સોનલ પ્રજાપતિ, વિદ્યાર્થીની નેન્સી પંચાલ અને પ્રાંજલ દેસાઈએ જણાવ્યું હતું કે, વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવામાં આવી છે. 11 ફૂટની વિશાળ રાખડી ઉપર જુદા જુદા પોસ્ટરોથી લોકોને માહિતીગાર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કોલેજના અધ્યાપક ડૉ.અમિત સોલંકી, નિરવ પરમાર, જયેશ ઠક્કર, અમિત ઠાકર, રમેશ પટેલ, દશરથ સાંખલા, લાઇબ્રેરીયન મહેશ ચૌધરી, ક્લાર્ક અનિલ પટેલ, અશોક ચૌધરી વગેરે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.