અમેરિકાએ મેક્સિકો બોર્ડર ઉપર દરવાજા ખોલી દીધા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વોશિંગ્ટન, અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર હંમેશા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ભીડ હોય છે જેઓ ગમે ત્યારે મેક્સિકોમાંથી અમેરિકામાં ઘુસણખોરી કરવાની તક શોધતા હોય છે. આવા લોકોમાં ભારત, પાકિસ્તાન, ચીન સહિત સાઉથ એશિયામાંથી આવેલા ઘણા પરિવારો પણ હોય છે. જેમનો એક માત્ર હેતુ ગમે તેમ કરીને અમેરિકામાં ઘુસણખોરી કરવાનો હોય છે. આ કારણથી અમેરિકાએ મેક્સિકો બોર્ડર પર ઉંચી દિવાલ બનાવી છે, છતાં ઘુસણખોરી ૧૦૦ ટકા અટકાવી શકાઈ નથી.

તાજેતરમાં અમેરિકાએ આ બોર્ડર પર લગભગ ૧૦૦થી વધુ જગ્યા પર દરવાજા ખોલવા પડયા છે જેનો ફાયદો લઈને ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં ઘુસી રહ્યા છે. બન્યું એવું કે અમેરિકાના એરિઝોના રાજ્યમાં મેક્સિકો બોર્ડર પર વરસાદના પાણીનો નિકાલ થઈ શકે તે માટે ૧૧૪ જેટલા ફ્લડગેટ ખોલવામાં આવ્યા છે. આમ કરવાથી પાણીનો ભરાવો દૂર થશે અને અહીં જોવા મળતા હરણની એક પ્રજાતિને પણ માઈગ્રેશન કરવા મળશે. પરંતુ આ ફ્લડગેટ ખુલતાની સાથે જ ઇમિગ્રન્ટ્સ પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે અને પાણીના પ્રવાહના રસ્તામાં ઘુસી રહ્યા છે.

 તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ મેક્સિકો બોર્ડર પર પાણીનો નિકાલ કરવા માટે ફ્લડગેટ ખોલ્યા તેમાં ૧૫૦૦ જેટલા ઈમિગ્રન્ટ્સે ફાયદો ઉઠાવ્યો છે અને તેઓ અમેરિકામાં પ્રવેશી ગયા છે. તેમાં ચાઈનીઝ લોકો પણ સામેલ છે. પરંતુ અમેરિકન બોર્ડર એજન્ટ્સ કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે તેમની સંખ્યા ઓછી છે અને ગેરકાયદે માઈગ્રેશન કરનારા લોકો મોટી સંખ્યામાં છે. આ ઉપરાંત તેઓ કોઈપણ ભોગે મેક્સિકોની દિવાલ પાર કરવાના હેતુ સાથે આવેલા છે તેથી તેમને સમજાવીને પાછા મોકલી શકાય તેમ નથી. આના કારણે એરિઝોનાની ટક્સન પોસ્ટ અત્યારે અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી માટે સૌથી વ્યસ્ત પોઈન્ટ ગણાય છે. મેક્સિકોમાંથી અમેરિકામાં માણસોનો ઘુસાડવાના ધંધામાં ઘણા સ્મગલર્સ પણ સામેલ છે. તેઓ અમેરિકામાં એન્ટ્રી કરી શકાય તેવા તમામ રસ્તા જાણે છે અને ઈમિગ્રન્ટ્સ પાસેથી ડોલર લઈને આગળ લઈ જાય છે.

એક અમેરિકન ઓફિસરે જણાવ્યું કે મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકામાંથી યુએસએમાં ઘુસણખોરી કરવાની હોય ત્યારે મોટા ભાગના સ્મગલરો ટક્સનના રસ્તાનો ઉપયોગ કરે છે. અગાઉ તો છુટા છવાયા માણસો જોવા મળતા હતા. પરંતુ હવે સેંકડો લોકો એકસાથે આવે છે અને તેમને હટાવી શકાતા નથી. મેક્સિકો બોર્ડર પર પાણીના નિકાલ માટે ૧૧૪ દરવાજા ખોલવામાં આવ્યા તે ૧૨ ફૂટ પહોળા છે જેના કારણે કેટલાક માઈગ્રન્ટ તો મોટરસાઈકલ પર પણ ઘુસી આવે છે. આ દરવાજા દર વર્ષે બે મહિના માટે ખોલવામાં આવતા હોય છે જે ગેરકાયદે ઘુસણખોરો માટે સોનેરી તક સાબિત થાય છે. ન્યૂ યોર્ક પોસ્ટને એક અધિકારીએ જણાવ્યું કે અમે આ ગેટ બંધ કરવા માંગીએ છીએ પરંતુ ઉપરથી ઓર્ડર આવ્યો કે દરવાજા ખુલ્લા રાખવાના છે. તમારો પડોશ સારો ન હોય ત્યારે કોઈ પોતાના ઘરના દરવાજા ખુલ્લા નહીં રાખે, પરંતુ અહીં અમારે ગેટ ખુલ્લા રાખવા પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.