રેતશિલ્પના રૂપસાધક નથુ ગરચર
કલાતીર્થ ટ્રસ્ટ – સુરત દ્વારા કલાક્ષેત્રના સાધકો – ઉપાસકોની અને તેઓની કલાના વધામણાં કરવા માટે કલાગંગોત્રી નામથી ગ્રંથશ્રેણી શરૂ કરવામાં આવી છે અને આ ગ્રંથશ્રેણીના દસમાં ગ્રંથ તરીકે રેતશિલ્પના કલાકાર શ્રી નથુ ગરચરના ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ આનંદ અને ગૌરવની વેળાએ દરેક ગ્રંથના સંપાદકશ્રી અને કલાક્ષેત્રના ઝવેરી એવા આ. શ્રી રમણીકભાઈ ઝાપડીયા સાહેબ, કલાતીર્થ ટ્રસ્ટના તમામ સદસ્યશ્રીઓ, દાતાશ્રીઓ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા સર્વે કલાસાધકોને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ ગ્રંથશ્રેણીના તમામ દસેય ગ્રંથો નિઃશુલ્ક મોકલવા ( કુરિયર ચાર્જ પણ નહીં, બોલો! ) બદલ સહૃદય આભાર પણ વ્યક્ત કરું છું.
આ કલા વિશે કે ગ્રંથ વિશે વિશેષ ચર્ચા કરતા પહેલા કલાતીર્થ ટ્રસ્ટ, આ. શ્રી ઝાપડીયા સાહેબ અને શ્રી નથુ ગરચરનો સંક્ષિપ્ત પરિચય આપવા ઈચ્છું છું. અંતે તો ગ્રંથ વિશે જ વાત કરીશું. પ્રથમ વાત કરીએ કલાતીર્થ ટ્રસ્ટની..
સુરત ખાતે કાર્યરત કલાતીર્થ ટ્રસ્ટમાં કલાતીર્થ શબ્દ ખૂબ મહત્વનો છે. શ્રી ઝાપડીયા સાહેબના મતે ” … કલાને યેન-કેન પ્રકારે પામવી, માણવી, અનુભવવી, એના પરિચયમાં આવવું એને હું કલાતીર્થ કહું છું. એ સંદર્ભમાં કલાતીર્થ નામે કલાવિષયક પ્રવૃત્તિના નવા આયામો અને લક્ષયાંકો સાથે કોઈપણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર માત્ર કલા સંવર્ધનની ખેવના રાખીને ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના ગામડા સુધીના કલાકારો, કલાચાહકો, કલામર્મજ્ઞો સુધી વહેંચવાની નેમ છે. ભારતીય તત્વજ્ઞાનના વિચારો સર્વત્ર પહોંચતા કરવાના ઉદ્દેશો વ્યાપક અને મહત્વાકાંક્ષી છે. જેમ કે;
(૦૧) કલા, કસબ અને સાંસ્કૃતિક ગતિવિધિ અંગે સમૃદ્ધ કલાગંગોત્રી શ્રેણીગત ગ્રંથમાળાઓ પ્રકાશિત કરવી.
(૦૨) વિસરાતા જતા કલા, કસબ, સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધનના હેતુથી તેનું દસ્તાવેજીકરણ કરવું.
(૦૩) લુપ્ત થવાના આરે ઉભેલી ભવ્ય વિરાસતોનું દસ્તાવેજીકરણ કરીને પ્રજા સમક્ષ મૂકીને રળિયાત કરવું.
(૦૪) કલા વિશે સંશોધન કરનારને આર્થિક સહયોગી બનીને મદદરૂપ બનવું.
(૦૫) કલાકારો અને પરંપરિત કસબીઓને પ્રોત્સાહન આપવું.
(૦૬) ઐતિહાસિક પરંતુ ઉપેક્ષિત સ્મારકોનું સંરક્ષણ અને જતન કરવું. ”
શ્રી રમણીકભાઈ ઝાપડીયા કોઈપણ ગ્રંથમાં ક્યારેય પોતાના વિશે વાત કરતા જ નથી! પોતાનું કામ ભલું ને કલા ભલી! હું ક્યારેય રૂબરૂ મળ્યો નથી પણ ટેલીફોનિક વાતો થાય. દર વખતે સતત કલાની જ વાતો કરનાર શ્રી ઝાપડીયા સાહેબ ખરા અર્થમાં કલાગુરુ છે. બીજા કલાકારોને પ્રોત્સાહન આપે, આર્થિક મદદ કરે અને છતાંય ક્યાંય મેં કર્યું એવો ભાવ લગીરે જોવા મળે નહીં. ગુજરાતના કોઈ ખૂણે કલાનો ધુણો ધખાવી બેઠેલા કલાકારોને ઓળખવા અને તેમની કલાને રાજ્યના કલાચાહકો સુધી પહોંચાડવાનું પુણ્યકાર્ય શ્રી ઝાપડીયા સાહેબ કરી રહ્યા છે. એમની કલાપરખું નજર હંમેશ ચારેકોર ફરતી હોય છે અને મહિનો’ક થાય ત્યાં કલાગંગોત્રી શ્રેણીમાં અલભ્ય એવી કલાને ગ્રંથ રૂપે સુલભ્ય કરાવે ત્યારે સલામ, વંદન, નમસ્કાર કરવાનું મન થાય જ! જેમના વિશે પાનાઓ ભરી લખી શકાય તેઓને એક બે ફકરાઓમાં ન્યાય ન જ આપી શકાય પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તેઓ ગુજરાતી કલાજગતમાં એક ઓજસ્વી અને તેજસ્વી વ્યક્તિત્વ છે. કલાતીર્થના તેઓ પૂજારી છે! કલાના ભેખધારી સંત છે.
આ ગ્રંથ રેતશિલ્પી શ્રી નથુભાઈ ગરચરની રેતશિલ્પ કલાને ઉજાગર કરતો ગ્રંથ છે. શ્રી નથુભાઈનો પરિચય આપતા શ્રી ઝાપડીયા સાહેબ લખે છે કે;
” ગાંધીભૂમિ પોરબંદરના વતની નથુ ગરચર એટલે ઓલિયો કલાકાર. કલામાં મસ્ત આરાધક. રોજ દરિયાકિનારે જાય. નોખા નિરાળા વિષયને પસંદ કરી રેત શિલ્પ બનાવે. સિદ્ધહસ્ત શિલ્પી એટલે તુરંત જ રેતીમાં ચેતન આરોપિત કરી દે. દરિયાની સાક્ષીએ પ્રાણપ્રતિષ્ઠા કરે અને શિલ્પ જીવંત થતું અનુભવાય કે તુરંત જ દરિયાદેવને કહે કે, બસ, હવે વિખેરી નાખો. હે દેવ ! તારી રેતીમાંથી, તારી કૃપાથી રચેલું આ શિલ્પ હવે તને અર્પણ. દરિયો આ ધુની કલાકારનો કાયમી પ્રશંસક. એ પણ હસતાં હસતાં તરત જ રેતશિલ્પને પુનઃ રેતીમાં પરિવર્તિત કરી દે. પોતે જ રચેલા શિલ્પને પાણીમાં ગરકાવ થતું જોઈને કલાકાર ઘરે પાછો ફરે. એને લાગે કે દિવસ સફળ થયો. ” છે ને અદ્ભૂત વાત!
વધુમાં આગળ લખે છે કે ” આ રીતે પ્રાયઃ રોજેરોજ રેતશિલ્પનું નિર્માણ કરતા નથુ ગરચરની સાધના, લગન અને નિષ્ઠાને વંદન. આપણે ત્યાં રેતશિલ્પ વિશે સભાનતા નથી કે જાગૃતિ નથી કે ઝાઝી સમજ પણ નથી. કિન્તુ એ કલા છે પ્રશસ્ય અને અને નિરાળી. એમને પોંખવી જ જોઈએ એવું મને લાગ્યું. આ ગુજરાતી કલાકાર સમગ્ર ભારતમાં રેતશિલ્પ ક્ષેત્રે પ્રસિદ્ધિ પામ્યા છે. આમ છતાં આપણે એને ન જાણતા હોઈએ એ શક્ય છે. કારણમાં એક તે રેતશિલ્પ વિશેની જાણકારીનો અભાવ, અને બીજું તે કે આ કલાકારની અનાસક્તિ, નામદામ પ્રત્યે ઉદાસીનતા. આ ઓલિયા કલાકારને કશાની પડી નથી. એ અદ્ભૂત શિલ્પ રચી જાણે ને તરત જ દરિયાને અર્પણ કરી જાણે.
૧૯૫૬ માં પોરબંદરમાં રબારી પરિવારમાં જન્મેલા નથુ ગરચર ચિત્રકલા ક્ષેત્રનું જ્ઞાન સાથે બી. કૉમ નો અભ્યાસ કર્યો. પોતાના જીવનમાં ૬૦,૦૦૦ થી વધુ રેખાંકનો સર્જનાર, ૧૫૦૦ થી વધુ રેતશિલ્પોના સર્જન, જળરંગો દ્વારા ૧૦૦૦ થી વધુ ચિત્રો દોરનાર, ૫૦ થી વધુ ઓઇલ પેન્ટથી કેનવાસ ચિત્રો અને ૨૦૦ થી વધુ ભીંતચિત્રો અને સિમેન્ટ મ્યુરલ આ કલાકારે બનાવ્યા છે. શ્રી નથુ ગરચરને રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક ઈનામો – પારિતોષિકો મળ્યા છે. શ્રી ઝાપડીયા સાહેબનો વિશેષ આભાર એટલા માટે કે આવા રેતશિલ્પ કલાકારનો ગુજરાતી જનતાને આ ગ્રંથના માધ્યમથી પરિચય કરાવ્યો.
હવે વાત કરીએ આ અમૂલ્ય ગ્રંથનીઃ
શ્રી નથુ ગરચર દ્વારા રચિત અંદાજીત ૨૦૦ થી વધુ રેતશિલ્પોની ૨૫૯ પાનાઓમાં સચિત્ર માહિતી આપવામાં આવી છે. શરૂઆતમાં પ્રા. નિસર્ગ આહીર દ્વારા રેતશિલ્પો વિશે સચોટ સમજણપૂર્વક માહિતી આપવામાં આવી છે. ગ્રંથનું સંપાદન શ્રી ઝાપડીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. જો રેત શિલ્પોની વાત કરીએ તો મુખ્ય નીચે મુજબની થીમ ઉપર શ્રી નથુ ગરચર દ્વારા રેતશિલ્પો બનાવવામાં
આવ્યા છે.
ભગવાનના રેતશિલ્પો ( શિવ, રુકમણીહરણ દ્રશ્ય, ગણેશપૂજન, દ્વારકામાં સુદામાનું સ્વાગત, શ્રી કૃષ્ણ અને રૂકમણી, શુકદેવજી અને ગણેશજી, શ્રી રામ, સીતા અને હનુમાનજી, બાલ કૃષ્ણ, નંદ, યશોદા સાથે બાલ કૃષ્ણ, શ્રી કૃષ્ણ, રાધા કૃષ્ણ, જળદેવી, ભગવાન બુદ્ધ, સરસ્વતી દેવી, વાછરા દાદા, કાલી નાગ અને શ્રી કૃષ્ણ, પરશુરામ, રામદેવપીર, કૃષ્ણ-સુદામા, તિરુપતિ બાલાજી ), અપ્સરા, પશુઓ ( હાથી, ગીરનો સિંહ, ભેંસ, મગર, અશ્વ, શિયાળ, ) ઊંટ સવારીમાં રાજસ્થાની યુગલ, પર્યાવરણ સંદેશ, આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની કલાકૃતિ, સ્વચ્છતા અભિયાન સંદેશ, વિવિધતામાં એકતા, હરિયાળી દર્શાવતું હરણ સાથેનું શિલ્પ, દરિયાઈ સૃષ્ટિ બચાવો, બેટી બચાવો સંદેશ, પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલિ, પાણી બચાવો સંદેશ, વિવિધ મહાનુભાવો ( ગાંધીજી, ડૉ. આંબેડકર, સરદાર પટેલ, ડૉ. કલામ, ) યુદ્ધ પોઝિશનમાં સૈનિક, આઝાદીનો અમૃત મહોત્સવ, પાર્થસારથી, શરદપૂનમ, સહજાનંદ સ્વામી, વલોણું, પાળિયા પૂજન, શિક્ષણનો અધિકાર, સર્વધર્મ સમભાવ, સ્વામી વિવેકાનંદ, લતા મંગેશકર, ઘોડેસવાર સ્ત્રી, બાળકો, પ્રાર્થનામય બાલિકા, સ્ત્રી સૌંદર્ય, વૈભવી વિરાસત, અલગારી સાધુ, કચ્છ-સૌરાષ્ટ્ર નો પુરુષ, મત્સ્યગંધા, પક્ષી બચાવો, વૃક્ષ બચાવો, નાગકન્યા, ઊંટ પર સવાર પરિવાર, માલધારી બાળ, રણચંડી સ્ત્રી, ઘોડેસવાર યોદ્ધા, ગાય સાથે ગોપાલક, સખીઓ, રાજમહેલ છે.
દરેક રેતશિલ્પ તેના કદ, આકાર, ભાવ, વળાકો, દેહ લાલિત્ય, સૌંદર્ય વિગેરેથી ભરપૂર છે. રેતી, પાણી અને સર્જકની કલા રેતશિલ્પ માટે મહત્વની હોય છે. મનમાં કંડારાયેલી કલ્પનાને રેતના શિલ્પોમાં કલાકારો ઉતારે છે. આવા શિલ્પો કાયમી સ્થાન ધરાવી શકે નહીં. લગભગ ચોવીસ કલાકનું અને ખાસ સંજોગોમાં સાચવવા હેતુથી સપ્તાહ જેટલો સમય સાચવી શકાય છે. જેમ નાના બાળકો નદી કે દરિયાકિનારે કે બાંધકામ માટે આવેલી રેતીના ઢગલામાં કુબો બનાવે છે તેમ આ કલાકારો અઘરી કૃતિઓનું સર્જન કરે છે. રેત શિલ્પો દ્વારા રજૂ થતો સંદેશ લોકો સુધી સારી રીતે પહોંચાડી શકાય છે.
રેતશિલ્પ કલામાં ગુજરાતી કલાકારો અન્ય કલાની સરખામણીમાં બહુ ઓછા છે. ગુજરાતમાં લગભગ ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો છે ત્યારે દરિયાકાંઠાના દરેક શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં રેતશિલ્પ કલાને વિકસાવવાની પૂરતી તકો હોવા છતાં આ કલાએ અપેક્ષિત ધ્યાન ખેંચ્યું નથી તે હકીકત છે. ક્યારેક અખબારોના પાને ચમકતા આવા શિલ્પો અને સમાચારો વાંચીએ અને જાણીએ એ પૂરતી આ કલા સીમિત છે. શ્રી નથુ ગરચર જેવા કુશળ અને અનુભવી કલાકારને સમયસર પોંખીને કલાતીર્થના શ્રી રમણીકભાઈ ઝાપડીયા સાહેબે સમગ્ર ગુજરાતી સમાજ વતી આ કલાકારનું પ્રતિનિધિત્વ સન્માન કર્યું છે એમ કહેવામાં ખોટું નથી. આપણાં સહુ વતી કલાકારને અને કલાતીર્થને અઢળક અભિનંદન છે.
ડૉ. રમણિક યાદવ