કલેક્ટર કચેરીમાં ગંદી વીડિયો ક્લિપ કોણે બનાવી? ATSની તપાસમાં ખુલ્યું રહસ્ય
આણંદ જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીની ચેમ્બરમાંથી બહાર આવેલી ગંદી ક્લિપ મામલે મોટો ખુલાસો થયો છે. ગુજરાત ATSની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે GAS અધિકારી કેતકી વ્યાસ દ્વારા કલેક્ટરને ફસાવવા માટે સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. ષડયંત્ર હેઠળ કલેક્ટરની ચેમ્બરમાં છુપો કેમેરા લગાવવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસે કેતકી વ્યાસ, નાયબ તહસીલ અધિકારી જેડી પટેલ અને હરેશ ચાવડા સામે એફઆઈઆર નોંધી છે, જેઓ તે સમયે કલેક્ટર કચેરીમાં તૈનાત હતા.
વાયરલ ક્લિપ બાદ આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સરકારે સસ્પેન્ડ કર્યા હતા. આ પછી કલેક્ટર કચેરીમાં આ શરમજનક ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિની સાથે સ્થાનિક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી હતી. જે બાદમાં ગુજરાત ATSને ગોપનીય રીતે સોંપવામાં આવ્યો હતો. ગુજરાત ATSની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે અલગ-અલગ જગ્યાએ એક નહીં પરંતુ ત્રણ કેમેરા લગાવવામાં આવ્યા હતા.
ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો છે કે કલેક્ટર ડી.એસ. ગઢવી પાસેથી જમીન સંબંધિત કેટલીક ફાઈલો ક્લિયર કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં ફાઈલો પર કલેકટરની મંજુરી મેળવી શકાય તે માટે કલેક્ટરને હની ટ્રેપ કરવામાં આવ્યા હતા. આથી કલેક્ટર છુપા કેમેરા દ્વારા હનીટ્રેપમાં ફસાયા હતા. એટીએસની પૂછપરછમાં આ વાત સામે આવી છે.
જેનું ષડયંત્ર તે સમયે અધિક કલેક્ટર કેતકી વ્યાસે ઘડ્યું હતું. કેતકીએ આમાં જેડી પટેલ અને હરેશ ચાવડાની મદદ લીધી હતી. જયેશ પટેલ અને હરેશ ચાવડાએ રૂમમાં કેમેરા ગોઠવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ માટે જયેશ પટેલે 3 સ્પાય કેમેરા ઓનલાઈન મંગાવ્યા હતા, જ્યારે હરેશ ચાવડાએ મહિલાને હનીટ્રેપ કરવાની વ્યવસ્થા કરી હતી. આ પછી કલેક્ટરને ફસાવવા માટે મહિલાને અલગ-અલગ દિવસે કલેક્ટરની ચેમ્બરમાં મોકલી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મોકલેલી મહિલા સિવાય અન્ય એક મહિલા વીડિયોમાં કેદ થઈ છે. આ પછી મહિલાએ કલેક્ટરને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી. મહિલાએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને કેટલીક ફાઈલો ક્લિયર કરવાની માંગ કરી હતી. આવું ન થતાં કલેક્ટરનો વીડિયો વાયરલ થયો હતો.
Tags AHAMEDABAD Anand GUJARATV