પાટણમાં આઇકોનિક બસ સ્ટેન્ડ પુરુ કરવાની શરતનો ભંગ થતાં પેનલ્ટીની કાર્યવાહી કરવાની માંગ ઉઠી

પાટણ
પાટણ

પાટણ શહેરનાં હાર્દસમા જુના બસ સ્ટેન્ડનાં સ્થાને હાલમાં છેલ્લા છ વર્ષથી નિર્માણાધિન અને તેની સમયાવધિમાં પણ તેનું બાંધકામ પૂર્ણ ન થઇ શકેલા આઈકોનિક બસ સ્ટેન્ડનો મામલો પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ચર્ચાયો હતો. આ સંકલન બેઠકમાં કુલ 33 પ્રશ્નોની ચર્ચાઓ થઇ હતી. જેમાં વિવિધ પ્રશ્નોની સાથે પાટણનાં આ સૌથી મોટા પ્રશ્ન તરીકે બસ સ્ટેન્ડનાં ધીમી ગતિ એ ચાલી રહેલા નિર્માણ કાર્યનો હતો.આ બાબતે પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કલેક્ટરને જણાવ્યું કે, પાટણનું જુનું બસ સ્ટેન્ડ છ વર્ષથી બની રહ્યું છે ને તેને 2020 માં પૂરુ કરવાનું નિર્ધારિત કરાયું હોવા છતાં કોન્ટ્રાકટર એજન્સીએ તે પુરુ ન કર્યુ હોવાથી તેની પાસેથી દંડ – પેનલ્ટી વસુલી જોઇએ. તેણે નિયમ મુજબ કામ પુરુ કર્યુ ન હોવાથી તેની સામે પગલાં લેવા જોઇએ તેમ જણાવતાં છ માસમાં તેણે પુરુ કરવાની બાંહેધરી આપી હતી. એમ ધારાસભ્યએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.પાટણની એક શાળામાં આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને મફત અભ્યાસ કરવાનો હોવા છતાં શાળા દ્વારા અધર એક્ટીવીટીનાં નામે રૂા.6000ની ફી શાળા દ્વારા વસુલવામાં આવતી હોવાની રજુઆત ધારાસભ્યે કલેક્ટર સમક્ષ કરી હતી. તેમણે કહ્યું કે, આ બાબતે પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીએ લખી આપ્યું છે કે, આર.ટી.આઈ. અંતર્ગત અધર એક્ટીવીટીનાં નામે ફી લેવાતી હશે તો સ્કૂલની સામે પગલાં લેવાશે.

 

 

આ બેઠકમાં પાટણ નગરપાલિકાને લગતાં ગટર, સફાઇ, પાણીનાં પ્રશ્નો પણ ચર્ચાયા હતા. જે અંગે ધારાસભ્યએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં નગરપાલિકા હસ્તકનાં વોટર વર્કસ વિભાગનાં પાણીનાં ઓવરહેડ ટાંકા- સમ્પ છેલ્લે તા. 31-10-2021નાં રોજ સાફ કરાયા હતા. તે પછી એક પણ ટાંકી સાફ કરાઇ નથી તથા તેનાં પાણીના ટી.ડી.એસ.નાં રિપોર્ટનાં આંકડા જારી કરાતા નથી.આ ઉપરાંત શહેરમાં સાફસફાઇ, ગટરોની સ્વચ્છતા, રખડતા ઢોર અંગેની રજૂઆત ધારાસભ્યએ કરતાં કલેક્ટરે જીયુડીસી, પોલીસ અધિક્ષક, ચીફ ઓફીસરની સંયુક્ત મિટીંગ પણ આ સંકલન બેઠક બોલાવીને તેમાં ચર્ચા કરવાની રજુઆત કરી હતી. તેમણે પાટણનાં ચોરમારપુરાથી ખાલકશાપીર વાળા પી.ટી.સી. કોલેજનાં નાળાવાળા ઝીલ સોસાયટીનાં રેલ્વે ફાટકની બંને બાજુ સી.સી. રોડ બનાવવા રજુઆત કરી હતી. તથા રેલ્વેનાં તમામ નાળાઓમાં વરસાદી પાણી ભરાઇ જતાં હોવાથી તે ન ભરાય તેની વ્યવસ્થા કરવા અને ચાણસ્માનાં તળાવનાં બ્યુટિફીકેશન માટેનાં ટેન્ડર ગેરકાયદેસર મંજૂર કરાયાની રજુઆત કરી હતી.આ બેઠકમાં પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં, વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજની બેઠકમાં ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પુછાયેલા પ્રશ્નોની સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામા આવી હતી. કલેક્ટરે ધારાસભ્યો દ્વારા મીટિંગમાં ચર્ચવામા આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને સુચન કર્યું હતું.આ બેઠકમાં માર્ગ-મકાન વિભાગને લગતા પ્રશ્નો, શિક્ષણ વિભાગ, પંચાયત, પાણી પુરવઠા વિભાગ, સીટી સર્વે, નગરપાલિકા, સિંચાઈ, રેલ્વે વગેરેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી. આજની બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.