પાટણ જિલ્લામાં અધિક શ્રાવણ પૂરો થવા છતાં ખેડૂતોમાં ચિંતા : વરસાદ ખેંચાતા ઊભો મોલમાં નુકસાનની ભીતિ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો સહિત સૌ ચિંતામાં મુકાયા છે. વાદળછાયું વાતાવરણ રહેવા છતાં લાંબા સમયથી વરસાદ નહીં પડતા વાતાવરણમાં ગરમીનો અહેસાસ લોકોને થયો છે અને ખેતરોમાં ઉભેલા પાકને પિયત માટે પાણીની તાતી જરૂરિયાતના સમયે જ વરસાદ હાથ તાળી આપીને જતો રહેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે.અધિક શ્રાવણ માસ પૂરો થવા છતાં અને ઓગસ્ટ મહિનો અડધો વીતી જવા છતાં મેઘરાજાએ વિરામ બાદ પુનઃ પધરામણી નહિ કરતા લોકોમાં વરસાદની માંગ વધી છે. ખાસ કરીને ખેતીના પાકોમાં હાલમાં પિયત માટે એક વરસાદની તાતી જરૂરીયાત હોવાનું ખેડૂતોનું કહેવું છે ત્યારે મેઘરાજા મ્હેર કરે તે માટે ખેડૂતો ચાતક નજરે આકાશભણી મીટ માંડીને બેઠા છે.જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં અત્યારે કુલ 2.34 લાખ હેકટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થવા પામેલ છે. જિલ્લામાં સૌથી વધુ 1.15 લાખ હેકટર વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર થયેલ છે. જિલ્લામાં ખરીફ પાકમાં મુખ્યત્વે બીટી કપાસ અને દેશી કપાસનું વાવેતર થયેલ છે. 24 હજાર હેક્ટરમાં બીટી કપાસ અને 21 હજાર હેક્ટરમાં દેશી કપાસ વવાયો છે.આ ઉપરાંત દિવેલા (એરંડા) નું 45 હજાર હેકટર વિસ્તારમાં વાવેતર થયેલ છે જ્યારે ચોમાસુ બાજરી 4000 હેકટર વિસ્તારમાં વાવવામાં આવેલ છે. જોકે, જિલ્લામાં મગફળીનું વાવેતર આશરે 500 હેકટર જેટલા વિસ્તારમાં જ થવા પામેલ છે.પાટણ પંથકમાં ચાલુ ચોમાસામાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોઈ વરસાદ વિના ખેડૂતોને તેમનો ઊભો મોલ બચાવવાની ચિંતા સતાવી રહી છે. હાલમાં બીટી કપાસ, એરંડા જેવા પાકોને પિયત આપવાની જરૂરિયાત ઉભી થઈ છે એવા સમયે જ મેઘરાજા પાટણ જિલ્લામાં રિસાયા હોય એવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો બીજી તરફ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકમાં કેટલાક વિસ્તારમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી માગણી પણ વધી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.