ઇડરમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીએ કલેક્ટરે ધ્વજવંદન કરાવ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં 77મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી મંગળવારે ઇડરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ ધ્વજવંદન કરાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આદિજાતિ સંસ્કૃતિ અને વિવિધતાથી સભર વિજયનગર ઐતિહાસિક વિસ્તારમાં પાલ દઢવાવનો ગોઝારો હત્યાકાંડ આદિવાસીએ આપેલી બલીદાનની ગવાહી છે. ત્યાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહિદ વન ખાંભી બનાવીને ઇતિહાસને ઉજાગર કર્યો છે. એવા જ વિજયનગરના કોડીયાવાડા ગામ કે જયાં એક બે નહીં પણ 1200થી વધુ આર્મીના જવાનો ફરજ બજાવી ચુક્યા છે અને હજી મા-ભોમની રક્ષા કાજે બોર્ડર પર તૈનાત છે. જે સૈનિકોના ગામ તરીકે પણ ઓળખ મેળવી ચુક્યું છે. સદા હરિત સાબરકાંઠા પ્રોજેક્ટ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે 51 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કરેલું છે. જેમાંથી અત્યાર સુધીમાં 31.58 લાખ રોપાઓનું વિતરણ કરાયું છે.જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગે જણાવ્યું હતું. આયોજન વિભાગ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન 44 કરોડની જોગવાઈ સામે 1340 કામો મંજુર કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાને રાષ્ટ્રપતિના હસ્તે ભુમિ સન્માન એવોર્ડ મળ્યો છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે. આ અવસરે જિલ્લામાં ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત માટે જાહેરાત કરી હતી. ઇડર તાલુકાની ગુહાઇ જુથ યોજના હેઠળ યોજનાના ડાબા કાંઠાના 32 ગામો માટે રૂ. 31 કરોડ 33 લાખના ખર્ચે યોજના પુર્ણ કરાઇ છે. સમાજ સુરક્ષા વિભાગ થકી 30,080 જેટલી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. 1250ની સહાય ચુકવવામાં આવે છે. શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ 603 લાભાર્થીને રૂ. 5 કરોડ 98 લાખ સબસીડી ચૂકવેલી છે. તેમજ વ્યાજ સહાય અને કેપીટલ સહાય ચુકવણી યોજના અંતર્ગત 244 લાભાર્થીઓને રૂ. 20 કરોડ 28 લાખની સહાય ચુકવાઇ છે.આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, અમૃત સરોવરની કામગીરી, આરોગ્યલક્ષી યોજનાઓ, વ્હાલી દીકરી યોજના, ઉદ્યોગ કેન્દ્રલક્ષી યોજનાઓના લક્ષાંક સામે જિલ્લાએ કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 9મી ઓગસ્ટથી સમગ્ર દેશ અને રાજ્યમાં મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ થયું. જેમાં સાબરકાંઠાના નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઈ આઝાદીના લડવૈયા એવા અનેક નામી-અનામિ વીરોને યાદ કરી વંદન કર્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યો અર્થે કલેક્ટરના હસ્તે ઇડર પ્રાંત અધિકારીને 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઇડરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર્રગાન બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ દિપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, અધિક નિવાસી કલેક્ટર દિગંત બ્રહ્મભટ, પ્રયોજના વહીવટદાર, વિવિધ અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.