પાલનપુર શહેરના માર્ગો પર 2.5 કિલોમીટર લાંબા તિરંગા સાથેની યાત્રાએ જમાવ્યું ભારે આકર્ષણ

બનાસકાંઠા
બનાસકાંઠા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પોલીસ હેડક્વાર્ટરથી જોરાવર પેલેસ- કલેક્ટર કચેરી સુધી યોજાયેલ 2.5 કિલોમીટર લાંબા તિરંગા સાથેની યાત્રાથી શહેરમાં રાષ્ટ્રપ્રેમની પ્રચંડ લહેર જોવા મળી હતી. આઝાદી ની પૂર્વ સંધ્યાએ નીકળેલી તિરંગા યાત્રાને ધારાસભ્ય અને જિલ્લા સમાહર્તા, જિલ્લા પોલીસવડાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રાએ શહેરભર માં આઝાદીના જશ્નનો માહોલ ખડો કર્યો હતો.પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ લીલીઝંડી આપી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવી હાથમાં તિરંગો ધ્વજ લઇ કલેક્ટર કચેરી સુધી યાત્રામાં જોડાયા હતા. બનાસકાંઠા પોલીસના જવાનોએ 2.5 કિ.મી. જેટલાં લાંબા તિરંગાને પોતાના મસ્તક ઉપર રાખી સન્માન સાથે યોજાયેલી આ તિરંગા યાત્રા ઉપર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ નગરજનોએ પુષ્પવર્ષા કરીને તિરંગાની આન, બાન અને શાન જળવાય તે રીતે ભારત માતા કી જય…. અને વંદે માતરમ…….ના નારાઓથી પાલનપુર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ છવાયો હતો. દેશની આન, બાન અને શાનના પ્રતિક સમા તિરંગાને સલામી આપી આમ જનતાએ પણ રાષ્ટ્રધ્વજ પ્રત્યેની પોતાની દેશદાઝને પ્રદર્શિત કરી હતી. પાલનપુર શહેરના માર્ગો પર આ તિરંગા યાત્રા પસાર થતાં યાત્રિકો, દુકાનદારો અને સ્થાનિકો રહીશોએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી યાત્રામાં જોડાયેલા લોકો અને વિદ્યાર્થી ઓને ચોકલેટનું વિતરણ કરી મોં મીઠું કરાવ્યું હતું.આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘‘મેરી મીટ્ટી, મેરા દેશ’’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે આ અભિયાનની સમગ્ર દેશમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ઉત્સાહપૂર્વક પોતાના ઘર પર, ધંધા વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સમગ્ર દેશ અને ગુજરાત આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે. સરહદી વિસ્તારથી માંડી શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આઝાદીની ઉજવણીના માહોલ સાથે લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. પાલનપુર શહેરમાં યોજાયેલ આ તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તીસિંહ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા, જિલ્લા પુરવઠા અધિકારી એચ. કે. ગઢવી, પ્રાંત અધિકારી પી. સી. દવે, યુવા વિકાસ અધિકારી પ્રિતેશ સોની સહિત અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, ફાયર ટીમ, ૩૫ એન.સી.સી. બટાલિયનના વિદ્યાર્થીઓ, નગરસેવકો અને સારી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.