પાલનપુરમાં ધારાસભ્યની હાજરીમાં ધ્વજવંદન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં. 9 મી ઓગષ્ટથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત પાલનપુર નગરપાલિકા દ્વારા કુંવરબા સ્કુલની બાજુમાં આવેલ ત્રિકોણ બગીચામાં ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને તેમજ કલેક્ટર વરૂણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં ”મારી માટી- મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ અંગ્રેજોના સમયમાં ઇ.સ. 1840 માં સ્થપાયેલી પાલનપુર શહેરની સૌથી જુની ગવર્મેન્ટ હાઇસ્કુલમાં ધારાસભ્ય અને કલેક્ટરએ વૃક્ષારોપણ કરી ધ્વજ વંદન કરાવ્યું હતું.આ અંગે ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરએ દેશની રક્ષા માટે બલિદાન આપનારા શહીદો અને આપણા પર સ્નેહ વરસાવતી માતૃભૂમિને વંદન કરતા જણાવ્યું કે, આપણા દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદવીરોને યાદ કરવાનો અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી રાષ્ટ્ર માટે કંઇક કરી છુટવાનો આ અવસર છે. આજે સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે 75 વર્ષના આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસને ફરીથી ઉજાગર કરવાનો અવસર આવ્યો છે. આજે ગામે ગામ શહીદોની શિલાફલકમનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે શહીદોના પરિવારજનો અને ગામલોકો પણ શહીદો માટે ગૌરવ અનુભવે છે કે અમારા ગામનું પણ આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન છે. તેમણે કહ્યું કે, દેશના રક્ષણ માટે શહીદ થયેલા શહીદવીરોને યાદ કરીને તેમને શ્રધ્ધાજંલિ અર્પણ કરીએ તથા વર્ષ- 2047 માં ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના છે એ અવસરે ભારત વિશ્વગુરૂ બને તે દિશામાં પ્રયાસો કરી દેશની એકતા અને અખંડિતા મજબુત બનાવીએ.આ અંગે ધારાસભ્ય અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. પાલનપુરવાસીઓએ હાથમાં માટીના કોડીયામાં પવિત્ર માટી લઈ વિકસીત ભારતના સાથ અને સહકાર માટે અથાગ પરિશ્રમ કરવા તથા આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લેવા અને તેનું જતન કરવા તથા ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીને આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે કામ કરતા રહેવા તથા રાષ્ટ્ર પ્રત્યેની અતુટ ફરજોનું પાલન કરવાના પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીધા હતા. ગવર્મેન્ટ હાઇસ્કુલમાં 75 વૃક્ષોનું વાવેતર કરી ”વસુધા વંદન થકી અમૃત વાટિકા” તૈયાર કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, પ્રાંત અધિકારી પી. સી. દવે, નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઇ રબારી, અગ્રણીઓ સર્વ દિનેશભાઇ પટેલ, ચિમનભાઇ સોલંકી સહિત નગરપાલિકાના સદસ્યઓ, નગરજનો અને ગવર્મેન્ટ હાઇસ્કુલના આચાર્ય સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.