કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાની સમર્થકો પર આરોપ
ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે ફરી એકવાર કેનેડામાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં સ્થિત એક હિન્દુ મંદિર પર હુમલો કરીને તોડી પાડ્યું હતું. સમર્થકોએ મંદિરના મુખ્ય દરવાજાની બહાર ખાલિસ્તાન લોકમતના પોસ્ટર પણ ચોંટાડ્યા હતા. પોસ્ટરમાં લખ્યું હતું કે, “કેનેડા 18 જૂનની હત્યામાં ભારતની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે”. આ પોસ્ટરમાં ખાલિસ્તાની આતંકવાદી ગણાતા હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ લગાવવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં કેનેડામાં મંદિર તોડવાની આ ત્રીજી ઘટના છે.
હરદીપ સિંહ નિજ્જર કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબના વડા હતા. 18 જૂને ગુરુદ્વારાની અંદર બે અજાણ્યા લોકોએ તેની હત્યા કરી નાખી હતી. એવું માનવામાં આવે છે કે તે અલગતાવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો વડા હતો. કેનેડાના સરેમાં તોડી પાડવામાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિર, બ્રિટિશ કોલંબિયાનું સૌથી મોટું અને સૌથી જૂનું હિન્દુ મંદિર છે.
કેનેડામાં એક વર્ષમાં હિન્દુ મંદિર પર આ ત્રીજો હુમલો છે. 31 જાન્યુઆરીના રોજ કેનેડામાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, તેની સાથે મંદિરની દિવાલો પર નફરતના સંદેશાઓ પણ લખવામાં આવ્યા હતા. જે બાદ ત્યાં રહેતા હિન્દુ સમુદાયના લોકો ઉશ્કેરાયા હતા. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ આ ઘટનાની નિંદા કરી હતી.