વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાથી થતી કમાણી પર મૌન તોડ્યું, રીપોટ્સને ખોટા ગણાવ્યા
વિરાટ કોહલીની ઘણી ફેન ફોલોઈંગ છે. તે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ ખૂબ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા આનો પુરાવો છે. તે ઈન્સ્ટાગ્રામ પર ભારતનો સૌથી વધુ ફોલો કરનાર એથ્લેટ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પરથી કોહલીની કમાણી અંગેના અહેવાલો સામે આવ્યા હતા, જેના પર હવે ભારતના દિગ્ગજ બેટ્સમેને વાત કરી છે. કોહલીએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પરથી તેની કમાણી અંગેના સમાચાર સાચા નથી.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં હોપર હેડક્વાર્ટરના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 11.45 કરોડ રૂપિયા કમાય છે. કોહલીએ આ અહેવાલને ખોટો ગણાવ્યો છે. તેણે ટ્વીટ કરીને આ વાતને નકારી છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોહલી ઈન્સ્ટાગ્રામથી સૌથી વધુ કમાણી કરનાર એશિયન છે. આ સાથે તે ઈન્સ્ટાગ્રામ પરથી સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર પણ છે. આ રિપોર્ટ અનુસાર પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે.રોનાલ્ડોના સૌથી પ્રખર હરીફ ગણાતા આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી નંબર-2 પર છે. વિરાટ પછી આ લિસ્ટમાં બીજું ભારતીય નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું છે. પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 4.4 કરોડ રૂપિયા કમાય છે.
વિરાટ કોહલી હાલ બ્રેક પર છે. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો. ટેસ્ટ સીરીઝ રમ્યા બાદ, તેણે વનડે સીરીઝની માત્ર એક જ મેચ રમી હતી અને બાકીની બે મેચમાં આરામ આપ્યો હતો. તે T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને હાલમાં બ્રેક પર છે. આ બ્રેકમાં તે આગામી બે મોટી ટૂર્નામેન્ટ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો છે. ભારતે 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભાગ લેવાનો છે, જેમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત માટે સૌથી મોટો પડકાર વનડે વર્લ્ડ કપ છે, જેનું આયોજન ભારત કરે છે. ટીમ ઈન્ડિયા માટે જરૂરી છે કે કોહલી આ બંને ટૂર્નામેન્ટમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાય.
Tags cricket india Rakhewal VIRAT KOHLI