BJP નેતાની હત્યા, ત્રણ શખ્સોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, CCTVમાં કેદ થઇ સમગ્ર ઘટના
UP CRIME: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ગુરુવારે મોડી સાંજે ભાજપના એક નેતા અનુજ ચૌધરીની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ હુમલાખોરોએ ભાજપના નેતા પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ઘટના મુરાદાબાદના થાણા માઝોલા સ્થિત પાર્શ્વનાથ હાઉસિંગ સોસાયટીની છે. એવું કહેવામાં આવ્યું છે કે અનુજ સ્થાનિક રાજકારણમાં સક્રિય નેતા હતા. તેમણે સંભલના અસમોલી બ્લોકમાંથી બ્લોક ચીફની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શક્યા ન હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં 30 વર્ષીય અનુજ તેના એપાર્ટમેન્ટની બહાર અન્ય વ્યક્તિ સાથે ફરતો જોવા મળ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા ત્રણ લોકોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.
અનુજ ચૌધરીના પરિવારજનોએ હત્યા માટે રાજકીય હરીફોને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, પરિવારે અમિત ચૌધરી અને અનિકેતના નામ આપ્યા છે, હત્યામાં તેમની સંડોવણી હોવાની શંકા છે. પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનુજ ભાજપના મજબૂત નેતા સ્વતંત્ર દેવ સિંહની નજીક હતો.
મુરાદાબાદના એસએસપી હેમરાજ મીનાએ જણાવ્યું હતું કે અનુજ ચૌધરીની અજાણ્યા બાઇક પર સવાર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. અનુજને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસએસપીએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પક્ષો વચ્ચે પરસ્પર દુશ્મનાવટ હતી. આરોપીઓને પકડવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.