સરહદી નડાબેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 9 થી 30 ઓગસ્ટ દરમિયાન ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ પાડણ અને નડાબેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. ભારત- પાકિસ્તાન સરહદ નજીક આવેલ પાડણ ગામમાં ગૃહ રાજ્ય મંત્રીના આગમન સમયે દીકરીઓએ હાથમાં ત્રિરંગા લઈ ભવ્ય સ્વાગત કરતા આ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક- શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ મારી માટી, મારો દેશ કાર્યક્રમ અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર પાડણ અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા છે ત્યારે દેશની આન, બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ ભારતીય સૈન્યના હાથમાં લહેરાઈ રહ્યો છે. હાલ સમગ્ર બોર્ડર વિસ્તારમાં મારી માટી, મારો દેશની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ આ અભિયાનમાં જોડાઈને દેશ માટે પંચ પ્રણની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડવાનો અભિનવ અવસર આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે બોર્ડર પર સીમા દર્શનની સાથે સાથે મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ દ્વારા લોકો ઉજવણીનો બેવડો આનંદ માણી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, BSFના ડી.આઇ.જી. ભૂપેન્દ્રસિંઘ, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ અને ઉમેદદાન ગઢવી, સીમા જાગરણ મંચ ગુજરાતના સભ્યો જીવનભાઈ આહીર, કિશોરભાઈ વ્યાસ, પરસોત્તમભાઈ દેસાઈ, કરસનભાઈ પટેલ સહિત આ વિસ્તારના ગામોના સરપંચઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનારા સરહદના શહીદ વીરો સ્વ. ધરમસિંગ સવસીભાઈ ઠાકોર- જલોયા તા. સૂઇગામ, સ્વ. ભગવાનભાઈ ભુરાજી ઠાકોર – જલોયા તા.સૂઈગામ, સ્વ. રણછોડભાઈ સવાભાઈ રબારી “પગી”- લીંબાળા તા. સૂઈગામ, સ્વ. ધનજીભાઈ કેશરાભાઈ ખાગડા (ચૌધરી) -દેથલી તા. વાવ અને સ્વ. ખાનાભાઇ રામાભાઇ પટેલ- ઢીમા તા. વાવના શિલાફલકમનું ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ અનાવરણ કરી આ શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મા ભોમની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર શહીદોના પરિવાજનોનું મંત્રીએ શાલ ઓઢાડી, સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.