પાટણ જિલ્લાનાં 9 તાલુકાનાં 187 ગામોમાં રાષ્ટ્રભક્તિના અનોખા પર્વની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વનો આજથી ઉત્સાહભેર શુભારંભ થયો છે. માટી જ છે જે સૌને માતૃભૂમિ સાથે જકડી રાખે છે. તેથી જ આ વર્ષે સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” કેમ્પેઇનની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. પાટણ જિલ્લાના 9 તાલુકાના કુલ 161 ગામો આજે રાષ્ટ્રના આ અનોખા પર્વના સહભાગી બન્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે તા.15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.9 મી ઓગષ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાશે. જેનો આજે પ્રથમ દિવસ હતો. પ્રથમ દિવસે પાટણ જિલ્લામાં આ અભિયાનમાં લોકોની બહોળી પ્રમાણમાં સહભાગિતા જોવા મળી હતી. અને તમામ ગ્રામ પંચાયતો ઉત્સાહભેર ઉજવણીમાં જોડાઇ હતી. તા.9 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ સુધી ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવશે.પાટણ જિલ્લાના ગામડાઓ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. ગામડાઓમાં લોકોએ હાથમાં માટી લીધી તો ક્યાંક લોકોએ દિવો લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. દરેક ગ્રામજનમાં પોતાની માતૃભુમિ પ્રત્યેનો પ્રેમ દ્રશ્યમાન થયો હતો. સૌ કોઈએ પોતાની સેલ્ફી લઈને, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરી હતી. તદઉપરાંત “વસુધા વંદન” અંતર્ગત દરેક પંચાયતમાં લાંબા સમય સુધી ટકી રહે તેવા 75 સ્વદેશી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતુ. દરેક ગામમાં પોલીસ. વીર જવાનો, વીરોના પરિવારો, સ્વાતંત્ર્ય સેનાનીઓ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ધ્વજ વંદન કરીને રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે “મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ” કાર્યક્રમ યોજાયો હતો. જેનું આયોજન પાટણ જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં કરવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે સ્મારક તકતી મૂકવામાં આવી છે. જેમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો અંકિત કરવામાં આવી છે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માતૃભૂમિ સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહિદ વીરો જેઓ પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ અભિયાન દરમ્યાન જિલ્લાની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું. સાથો સાથ આયુષ્માન સભા પણ યોજાઈ. જેમાં આયુષ્માન ભારત, અટલ પેન્શન, પી.એમ જીવનજ્યોતિ વિમા યોજનાના કેમ્પ યોજી લાભાર્થીઓને લાભાન્વિત કરાયા. પોલીસ વિભાગ દ્વારા પણ “માર્ચ પાસ્ટ” નું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓમાં પંચપ્રાણ પ્રતિજ્ઞા સેલ્ફી, ધ્વજ વંદન રાષ્ટ્રગાન તથા અન્ય સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.જિલ્લામાં યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ , તાલુકા પંચાયત તથા જન પ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં લોકો સહભાગી થઈને કાર્યક્રમને ગૌરવંતો બનાવેલ છે.પાટણ તાલુકાના કણી ગામે માન.પ્રમુખશ્રી જિલ્લા પંચાયત-પાટણ તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાન અંતર્ગત 5 (પાંચ) થીમ આધારિત વિવિધ કાર્યક્રમોની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુર તાલુકાના કામલપુર ગામે ધારાસભ્ય-રાધનપુર લવિંગજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.રાષ્ટ્રભક્તિસભર ગૌરવંતો સફળ કાર્યક્રમ યોજવા માટે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમના જિલ્લા નોડલ અધિકારી આર.કે.મકવાણા (નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) તેમજ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.