દાંતામાં ઉદ્યોગમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

તા. 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દાંતાની આદર્શ નિવાસી શાળા ખાતે રાજ્યના ઉદ્યોગમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિજાતિ વિભાગ અને આદિજાતિ સમાજ દ્વારા મંત્રીબલવંતસિંહ રાજપૂત અને મહાનુભાવોનું પરંપરાગત વાદ્ય, રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી બલવંતસિંહ રાજપૂતે અંબાજી થી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ, બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવતાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સુરમાઓએ આપેલા બલિદાન અને યોગદાનને યાદ કર્યું હતું. આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા. આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. એમ જણાવતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આદિવાસી સમાજને સમાજની મુખ્યધારામાં લાવવા માટે રાજ્ય સરકારે વનબધું યોજના અંતર્ગત એક લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી વનબંધુઓને અનેક પ્રકારે મદદ પહોંચાડી છે.વધુમાં મંત્રીએ આદિવાસીનો દીકરો ઉદ્યોગપતિ અને એન્જિનિયર બને એવું કામ આ સરકારે કર્યું છે. એમ જણાવી રાજયના આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સરકાર દ્વારા અમલી બનાવાયેલી યોજનાઓની માહિતી આપી હતી. તેમજ આદિવાસી સમાજ આગળ વધે એવી મા અંબાને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના આદિજાતિ લાભાર્થીઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ યોજનાઓ હેઠળ સાધન સહાયના ચેક અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. તેમજ ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસમાં તથા રમતગમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસી રમતવીર વિદ્યાર્થી બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં ગુણસદા ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અગ્રણી સર્વ લાધુભાઈ પારઘી, નિલેશભાઈ બુંબડીયા, રવીન્દ્ર ભાઇ ગમાર, આદિવાસી આગેવાઓ, સંગઠનના પદાધિકારીઓ, શાળાના બાળકો સહિત ગ્રામજનો અને આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.