વિજાપુરમાં મધ્યાહન ભોજનનું 1090 કિલો અનાજ સંચાલકો ખાઇ ગયા

મહેસાણા
મહેસાણા

વિજાપુર પોલીસે 150 કિલો શંકાસ્પદ તુવેરદાળના જથ્થા સાથે દુકાન માલિક સહિત ત્રણ શખ્સોને પકડ્યા હતા. જેને પગલે ઝડપાયેલા બે શખ્સોના સગાના રેગ્યુલર અને ચાર્જમાં ચાલતા ચાર મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મામલતદારની ટીમે હાથ ધરેલી તપાસમાં ચારેય કેન્દ્રોમાંથી 228 કિલો ઘઉં, 651 કિલો ચોખા, 60 કિલો તુવેરદાળ અને 151 કિલો તેલ સહિત 1090 કિલો સરકારી અનાજના જથ્થામાં ઘટ મળી આવતાં મામલતદારે બંને સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.વિજાપુર પોલીસે ખત્રીકૂવા પીકઅપ સ્ટેન્ડની પાછળ આવેલી શિવશક્તિ કિરાણા સ્ટોરમાં પીએમ પોષણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલા તુવેરદાળના 2 અને કારમાં લઈને આવેલા 3 માળી 5 કટ્ટા સાથે દુકાનમાલિક અને લાડોલના બે શખ્સોની અટકાયત કરી હતી. ઝડપાયેલો જથ્થો શંકાસ્પદ હોવાથી જિલ્લા પુરવઠા અધિકારીના આદેશને પગલે સ્થાનિક મામલતદાર હર્ષ પટેલ દ્વારા નાયબ મામલતદાર અમીબેન સહિતની ટીમો બનાવી તુવેરદાળના જથ્થા સાથે પકડાયેલા શખ્સોના સગા એવા સંચાલકના રેગ્યુલર અને ઇન્ચાર્જમાં ચાલતા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, લાડોલ અને હાથીપુરાની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં તપાસ હાથ ધરી હતી.જેમાં વિજાપુરના કેન્દ્રમાં 50 કિલો ઘઉં, 124 કિલો ચોખા અને 53 કિલો તેલ, મણીપુરાના કેન્દ્રમાં 163 કિલો ઘઉં, 301 કિલો ચોખા, 56 કિલો તુવેરદાળ અને 29 કિલો તેલ, લાડોલના કેન્દ્રમાં ત્રણ કિલો તેલ તેમજ હાથીપુરાના કેન્દ્રમાં 15 કિલો ઘઉં, 226 કિલો ચોખા, 4 કિલો તુવેરદાળ અને 66 કિલો તેલના જથ્થાની ઘટ મળી આવી હતી. આ ચારે કેન્દ્રોમાં સરકારી અનાજના જથ્થામાં મોટાપાયે ઘટ મળી આવતાં મામલતદારે બંને સંચાલક કામિનીબેન દિલીપભાઈ પટેલ અને અક્ષયકુમાર દિલીપભાઈ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી તપાસ દરમિયાન અનાજના જથ્થાની વિસંગતતા મામલે એક દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. બીજી તરફ, મધ્યાહન ભોજન કેન્દ્રનો સરકારી અનાજનો જથ્થો બારોબાર કરનારાઓમાં ફફડાટ પ્રસર્યો છે.સરકારી અનાજના તમામ જથ્થામાં મોટા પ્રમાણમાં મળી આવેલી ઘટને પરિણામે બંને સંચાલકને આગામી દિવસોમાં મામલતદાર દ્વારા સસ્પેન્ડ કરાશેનું જિલ્લા પુરવઠા અને મામલતદાર કચેરીના સૂત્રો કહી રહ્યા છે. આમ બંને કેન્દ્ર સંચાલક ઉપર હાલ સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.