પાલનપુરના કાનુભાઇ મહેતા હોલ ખાતે હેન્ડલ કરવી વિષયક સેમિનાર યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર વિદ્યામંદિરમાં આવેલ કાનુભાઇ મહેતા હોલ ખાતે શૈક્ષણિક કારકિર્દીમાં નિષ્ફળતાઓને કેવી રીતે હેન્ડલ કરવી વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના મુખ્ય વક્તા અમદાવાદ દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારે સીવીલ સર્વિસ પરીક્ષાની પધ્ધતિ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, દર વર્ષે દેશભરમાંથી લાખો યુવાનો સીવીલ સર્વિસની પરીક્ષા આપે છે. આ પરીક્ષામાં પ્રિલીમ, મેઇન્સ અને ઇન્ટરવ્યું આપ્યા બાદ માંડ 900 થી 1000 જેટલાં ઉમેદવારો IAS, IPS, IFS સહિત વિવિધ સનદી સેવાઓમાં જોડાઇને દેશ સેવા કરે છે. સીવીલ સર્વિસની આ ચેલેન્જીંગ કેરિયરમાં દેશની સેવા સાથે છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિઓ રહેલી છે.ઉત્સવ પરમારે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ જ્ઞાન પિરસતા જણાવ્યું કે, પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલીમાંથી પ્રેરણા મેળવીને ભરતપુરના નિરક્ષર વ્યક્તિ કે જેમણે પણ પક્ષીવિદ તરીકે નામના મેળવી છે એવા બ્રિજેન્દરસિંહે અંગ્રેજી ભાષામાં બે પુસ્તકો લખાવ્યા છે તેમને આપણે સફળ ગણીશું કે નિષ્ફળ ? તેવી જ રીતે બાલાસિનોરના ડાહ્યાભાઇ પણ એક અભણ મજૂર છે. તેઓ ડાયાનાસોર વિશે ખુબ સરસ જ્ઞાન ધરાવે છે. આ ઉપરાંત ધોળાવીરાના સવજીભાઇ ધોળાવીરાની આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે અદ્દભૂત જ્ઞાન ધરાવે છે. ભાવનગરના કૌશિક ઘેલાણી ધોરણ- 12 ફેઇલ છે, છતાં આજે શ્રેષ્ઠ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે. જો આવી પરિસ્થિતિમાં પણ માણસ સફળ થઇ શકતો હોય તો તમારી પાસે આજે કેટલી બધી સુખ- સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને સફળતાની સીડી સરળતાથી ચડી શકો છો એમ કહી વિદ્યાર્થીઓને પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા જણાવ્યું હતું આપણા જ્ઞાન અને આવડતથી આપણે ખુશ રહેવું જોઇએ. તેમણે ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશે વાત કરતાં જણાવ્યું કે, આપણો મૂળભૂત આકાર વર્તુળ છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી ગોળ છે. આર્યભટ્ટે કરેલી ઝીરોની શોધ અને તેના મહત્વ વિશે તેમણે વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.