પાટણનાં માખણિયાની ડમ્પીંગ સાઈટે કચરાનો ડુંગર ચઢવો વાહનો માટે મુશ્કેલ

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા ખાતે શહેરમાં સ્વચ્છતાની સમસ્યાનાં ઉકેલ માટે પ્રમુખ સ્મિતાબેન પટેલે તમામ વોર્ડ ઈન્સ્પેકટરો અને સેનેટરી ઇન્સ્પેકટરોની બોલાવેલી તાકિદની બેઠકમાં તમામ કર્મચારીઓને શહેરમાં સ્વચ્છતાને લઇને પડતી મુશ્કેલીઓ અંગે જાણવા માંગતાં સૌએ પોતપોતાની મુશ્કેલીઓની રજૂઆત કરી હતી.આ રજૂઆતો દરમ્યાન પાટણ પાલિકાની સ્વચ્છતા શાખાનાં અધિકારી મુકેશ રાવલે પ્રમુખને રજૂઆત કરી હતી કે, પાટણનાં માખણીયા વિસ્તારમાં અત્યારે કચરાનો ઊંચો પહાડ બની ગયો છે. ચોમાસામાં પડતા વરસાદનાં કારણે કચરો ઠાલવવા માટે આ ડમ્પિંગ સાઇટ ઉપર જતાં વાહનો ટેકરા ઉપર ચઢી શકતા નથી ને કચરામાં ટાયરો ખૂંપી જાય છે તથા ટ્રેક્ટરો પણ જઇ શકતા નથી ને કાદવ કિચ્ચડથી લપસણો માર્ગ બની ગયો હોવાથી કચરો રોડ રસ્તા ઉપર નાંખવાની ફરજ પડે છે. આથી આ કચરાનાં પહાડને ઓછો કરવા કે વિખેરવા માટે અને વાહનો જઇ શકે તે માટે રસ્તો બનાવવા ટ્રેક્ટરો અને હિટાચી તથા ડમ્પરનાં ઉપયોગથી રસ્તો બનાવવો આવશ્યક છે. રજૂઆત સંદર્ભે આ બાબતે દરખાસ્ત તૈયાર કરવા પ્રમુખે સૂચના આપી હતી. આ ઉપરાંત પાટણનાં વિકસતા વિસ્તાર હાઇવે પારનાં સોસાયટી વિસ્તારો અને હાઇવે ઉપર સ્વચ્છતાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે હાઇવે વિસ્તારનાં હાલનાં એકે સ્વચ્છતા વોર્ડનું વિભાજન કરીને બે વોર્ડ બનાવવાનું સૂચન કર્યું હતું. જેમાં હાઇવેનો એક વોર્ડ પાટણ-ચાણસ્મા હાઇવેનો ગોલ્ડન ચોકથી સુદામા ચોકડી સુધીનાં હાઇવે અને વિસ્તારની સોસાયટીઓ તથા બીજો વિસ્તાર ગોલ્ડન ચોકડીથી માતરવાડીનો હાઇવે તથા તેની અંદરની સોસાયટીનાં વિસ્તારોનો સમાવેશ કરતો વોર્ડ રચવાની દરખાસ્ત કરાશે.પાટણનાં હાઇવે વોર્ડમાં અત્યારે 21 સફાઇ કર્મચારીઓ છે. પાંચ છોટા હાથી, એક ટ્રેક્ટર છે. આ નવા સૂચિત વોર્ડ વિભાજન થતાં અહીં માણસો અને વાહનોની ફાળવણી કરવામાં આવે. બંનેમાં 10 થી 15 માણસો આપવામાં આવે છે.તેમણે એવું પણ સૂચન કર્યું કે, હાઇવે ઉપર અત્યારે સવારનાં ભાગે જ સફાઇ થાય છે. તેનાં બદલે સવારે સાફઇ થયા બદલ આ વિસ્તારોમાં બે ટ્રેક્ટરોની માંગણી કરીને બપોર પછી પણ તેઓ કચરો ઉપાડી લે તો આખો દિવસ આ હાઇવે રૂટ ચોખ્ખો રહેશે અને તમામ કચરા પોઇન્ટ પણ ચોખ્ખા રહેશે. આ બેઠકમાં સ્વચ્છતા ચેરમેન ,બાંધકામ ચેરમેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.