થરાદ પાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ થતાં કોંગ્રેસ ધુંઆપુઆ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : એજન્ડા મુજબ થરાદ નગરપાલિકાના બીજી ટર્મના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી ગુરૂવારે યોજાનાર હતી. પરંતુ ચુંટણીની તારીખો બદલાતા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર સુત્રોચ્ચાર અને પ્રતિક ધરણાં યોજી દેખાવો સાથે નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. અને વહેલી તકે શાંતિપુર્ણ રીતે ચુંટણી યોજવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બીજા ટર્મની સત્તા માટે ભાજપ અને કાૅંગ્રેસ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હાઇવાૅલ્ટેજ જંગ જોવા મળ્યો છે. આથી હવે કોણ રંગ લાવશે તેના પર સૌ કોઇની નજર મંડરાવા પામી છે.
થરાદ નગરપાલિકાના બીજા સત્રના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી જિલ્લા ચુંટણી અધિકારીએ ૧૫ દિવસ પુર્વે આપેલા એજન્ડા મુજબ ૨૦ ઓગસ્ટ (ગુરૂવાર) ના રોજ પાલિકા હોલમાં યોજાનાર હતી. પરંતુ તબિયત બગડવાના કારણે નગરપાલિકાના પ્રમુખ ચુંટણી અધિકારી અને થરાદના નાયબ કલેકટર રજા પર ઉતર્યા હતા. જેના કારણે ગુરૂવારે યોજાનાર ચુંટણી મોકુફ રહી હતી. જેના તીખા પ્રત્યાઘાતો થરાદ કોંગ્રેસમાં પાડવા પામ્યા હતા. ગુરુવારે થરાદના કોંગ્રેસના ધારાસભ્ય અને અગ્રણીઓ દ્વારા નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગત ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ગુજરાત ચુંટણીપંચ દ્વારા ૨૦ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ગુજરાતની નગરપાલિકાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્પષ્ટ બહુમતી હાંસલ કરેલ હોઇ ભાજપ પાર્ટી પોતાની કારમી હાર જોઈ જતાં રાજકીય સત્તાનો દુરુપયોગ કરી સરમુખત્યારશાહી વલણ અપનાવીને થરાદ નગરપાલિકાની બીજા ટર્મની મહિલા અનામત પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી રદ કરાવી લોકશાહીનું હનન કર્યું છે, જે બંધારણીય રીતે એક અપરાધ છે. તેવા આક્ષેપો કરી સુત્રોચ્ચાર અને ધરણાં સ્વરૂપે દેખાવો કરવામાં આવ્યા હતા. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત તથા તાલુકા કાૅંગ્રેસસમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકીએ ભાજપની માનસિકતા પર પ્રહારો કરી લોકશાહીનું સાચા અર્થમાં મુલ્યોનું જતન કરે અને વહેલી તકે શાંતિપુર્ણ રીતે પ્રત્યક્ષ અને સાચી લોકશાહીથી ચુંટણી યોજાય તે બાબતને ધ્યાનમાં રાખે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપુત, પુર્વ નગરપાલીકા પ્રમુખ પથુભાઈ રાજપુત, પ્રધાનજી ઠાકોર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.