ડીસાના ઝાબડીયા ગામે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને શિક્ષણ ચિંતન યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ઝાબડીયા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને શિક્ષણ ચિંતન તથા જિલ્લાના શ્રેષ્ઠ બાળકોનું ગોલ્ડ અને સિલ્વર મેડલ આપી સન્માન તથા શ્રેષ્ઠ શિક્ષકોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આનંદ પરિવાર દ્વારા ચાલી રહેલ 61 સંસ્કાર શાળાના શિક્ષકોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે વિદ્યાર્થીઓમાં ચેતના જગાવવાનું કામ શિક્ષકો કરે છે. શિક્ષક પોતાના માટે નહીં પરંતુ સમાજ સેવા સાથે માનવીને અમીર બનાવવાનું કામ કરે છે. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટે સંસ્કાર શાળાઓનું નિર્માણ કરવું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સંત કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબે બાળકોને શિક્ષાની સાથે સંસ્કારો આપવાનું કામ કરીને વ્યકિત નિર્માણનું અભિયાન આદર્યું છે. પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું કે, આપણી ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં 64 કળાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. વિદેશી હુમલાખોરો અને મેકોલોની શિક્ષણ નીતિએ આપણી શિક્ષા પ્રણાલીને તોડી નાખી હતી. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કિલ એજ્યુકેશન પર ભાર મૂકીને નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે ત્યારે શિક્ષકોની મહેનતથી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે.સંત જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબે બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાના સંકલ્પ વિશે વાત કરતા જણાવ્યું કે, આજે ભારત દેશની મુખ્ય સમસ્યા ગરીબી, બેકારી કે ભ્રષ્ટાચાર નથી પરંતુ મુખ્ય સમસ્યા છે સારા- સંસ્કારી માણસો શોધ્યા જડતા નથી એ છે. આજે માતા-પિતા પાસેથી નાના નાના બાળકો વિમલ, જાફરી, ગુટખા જેવા વ્યસનો કરતા થાય છે. બાળકોને ચા પીવાનું પણ આપણે શીખવાડીએ છીએ. સંસ્કારયુક્ત શિક્ષણ દ્વારા ગામડાઓથી લઈ શહેરો સુધી વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવું છે. તેમણે કહ્યું કે માનવતા માટે કામ કરીને સંસ્કારી રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરવું છે. બાળકના વિકાસમાં વાતાવરણ બહુ અસર કરે છે ત્યારે આપણા બાળકોને એવુ સુંદર વાતાવરણ પૂરું પાડીને તેમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ. ધારાસભ્ય પ્રવિણ માળી અને કેશાજી ચૌહાણે 21 મી સદીને જ્ઞાન અને વિજ્ઞાનની સદી ગણાવી આ સમયમાં શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષણ ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે આપણા બાળકોને સારુ શિક્ષણ અપાવી બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનો સંકલ્પ સાકાર કરીએ. કોઈપણ સારા કાર્યની પાછળ સંવેદના જોડાયેલી હોય છે. શિક્ષકોનું કામ માત્ર બાળકોને ભણાવવાનું નથી પરંતુ ઉત્તમ સમાજનું નિર્માણ કરવાનું છે. દરેક ગામમાં લોકભાગીદારીથી સંસ્કાર કેન્દ્રો ઉભા કરવાનું આયોજન છે તેમાં સાથ સહકાર આપવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી ભરતદાન ગઢવીની આનંદ પરિવારના પરામર્શક તરીકે નિમણૂક કરવામાં આવતા મંત્રીના હસ્તે આનંદ પરિવારનો બેઝ પહેરાવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.