વૃક્ષારોપણ અને જળસંચય થકી જિલ્લો નંદનવન બનશે : શંકરભાઈ ચૌધરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : બનાસ ડેરી અને અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે અનાપુરછોટા ગામે ધાનેરા તાલુકાનો વૃક્ષારોપણ કાર્યક્રમ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણનો કાર્યક્રમ માત્ર બનાસ ડેરીનો જ નહિ પરંતુ તમામ જિલ્લાવાસીઓનો પોતીકો કાર્યક્રમ છે. વૃક્ષોનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યું કે આપણા જીવનનો આધાર પ્રાણવાયુ છે અને આ પ્રાણવાયુ ઉત્પન્ન કરવાનું કામ એકમાત્ર વૃક્ષો જ કરે છે. આપણે આપણી ભાવિ પેઢી માટે વારસામાં પાણી અને હવા આપીને જવું હશે તો મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરીને વારસામાં આપવો પડશે. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો પાણીની અછત વાળો જિલ્લો છે, વર્ષોથી સુકો પ્રદેશ તરીકે ઓળખાય છે પરંતુ તેનો ભવ્ય ભૂતકાળ પાણીદાર હતો.

જેમાં ઘટાદાર જંગલો અને વહેતી નદીઓ આપણા પૂર્વજોએ જોઈ છે, પરંતુ કેટલાક સમયથી વરસાદને અભાવે સૂકા પ્રદેશનું મહેણું લાગ્યું છે. વૃક્ષારોપણ થી ખૂબ જ વરસાદ આવશે અને તે વરસાદી પાણીને જળસંચય થકી ગામનું પાણી ગામમાં અને ખેતરોનું પાણી ખેતરમાં રોકીને તેનો સંચય કરીશું તો પુનઃ આપણો જિલ્લો તેની આગવી ઓળખ ધરાવતો થઈ જશે. બનાસડેરીના પોતાના કાર્યકાળ દરમિયાન સમગ્ર નિયામક મંડળના સહયોગથી જિલ્લાના પશુપાલકોને સૌથી ઊંચું વળતર અને ભાવ વધારો આપવામાં સફળ રહેવાનો સંતોષ વ્યક્ત કરતા તેમને જણાવ્યું કે રાજકીય પરીપાટી થી પર રહીને નિયામક મંડળના સભ્યોએ બનાસડેરીના વિકાસમાં પોતાનો સૂર પુરાવ્યો છે. તેમણે જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી વધુ દૂધ સંપાદન કરવામાં ધાનેરા તાલુકો પ્રથમ નંબરે હોવાનું જણાવીને ધાનેરા તાલુકો બનાસકાંઠા માટે ગૌરવશાળી તાલુકો હોવાનું જણાવ્યું હતું. ધાનેરા તાલુકાના ડીરેક્ટર જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે પૃથ્વીનું વાતાવરણ જળવાય અને પર્યાવરણ શુદ્ધિ માટેનો બનાસ ડેરીનો વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ આવકારદાયક છે. તેમણે ઉપસ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિઓને આહવાન કરતા જણાવ્યું હતું કે ધાનેરા તાલુકો સૌથી વધુ દૂધ સંપાદન કરતો તાલુકો છે એ જ રીતે સૌથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેમાં પણ અવ્વલ નંબર રહેશે. તેમણે જણાવ્યું કે માત્ર દૂધનો વ્યવસાય જ નહીં પરંતુ તેની સાથે અન્ય વ્યવસાયો પણ વિકસાવીને ચેરમેન શંકરભાઈએ પશુપાલકોને વધુ નફો થાય તે માટે ઉપયોગી થયા છે.
પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલે જણાવ્યુ કે સ્વ. ગલબાકાકાએ રોપેલું બીજ આજે વટવૃક્ષ થયું છે, ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં ચેરમેન શંકરભાઈના નેતૃત્વમાં બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે અને ભૂતકાળમાં ક્યારેય ન મળ્યો હોય તેટલો ભાવ ફેર પશુપાલકોને આ વર્ષે મળ્યો છે. દાંતીવાડા વિભાગના ડિરેક્ટર પી જે ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરીએ ૧૨,૦૦૦ કરોડનું ટર્ન ઓવર પાર કરીને દેશની જ નહીં હવે દુનિયાની શ્રેષ્ઠ ડેરી બની છે. બનાસડેરીના ઇન્ચાર્જ એમ.ડી. કામરાજભાઈ ચૌધરીએ સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ રાયમલભાઈ પટેલ, એ.પી.એમ.સી. પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હોથીભાઈ પટેલ, પાંથાવાડા એ.પી.એમ.સી. ચેરમેન સવસીભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ, અગ્રણીઓ રામજીભાઈ રાજગોર, નટુભાઇ ચૌધરી, હરજીવનભાઇ પટેલ, જોઈતા ભાઈ શેઠ સહિત અનાપુર છોટા, અનાપુરછોટા મહિલા, અનાપુર ગઢ અને નેગાળા દૂધ મંડળી સહીત તાલુકાભરમાંથી પશુપાલકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.