ડીસા પાસેથી વધુ બે દારૂ ભરેલી ગાડીઓ ઝડપાઇ 8 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી એલસીબી પોલીસે વધુ બે અલગ અલગ જગ્યાએથી દારૂ ભરેલી બે કાર ઝડપી લઇ દારૂ સહિત રૂપિયા 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એક કારમાંથી પોલીસે બે બુટલેગરોને અટકાયત કરી છે. જ્યારે એક ચાલક કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટાપાયે દારૂની હેરાફેરી થતી હોવાથી બનાસકાંઠા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી એલસીબી પોલીસની અલગ અલગ ટીમો ડીસા ધાનેરા હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ડીસાના વિરોલથી વીરુના થઈ ભડથ તરફ દારૂ ભરેલી કાર જઈ રહી છે. જેથી પોલીસે વીરુના પાસે ગાડી આવતા ગાડી ઉભી રખાવાની કોશિશ કરતા ચાલક ગાડી ભગાડીને ભડથ તરફ ભાગી ગયો હતો. જો કે આગળ જતા ટાયર ફૂટી જતા રસ્તા ની બાજુમાં ઝાડ સાથે ગાડી અથડાઈ હતી અને ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરના ટીન નંગ 1260 કિંમત રૂપિયા 1.39 લાખનો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 3 લાખની કાર સહિત દારૂનો જથ્થો જપ્ત કરી નાસી છૂટેલ કાંકરેજના ખારીયા ગામના આરોપી સિદ્ધરાજસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધાનેરા તરફથી દારૂ ભરીને ગાડી આવતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ ગોઠવતા એક સ્વીફ્ટ ગાડીને ઝડપી લીધી હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી 480 નંગ કિંમત રૂપિયા 57 હજારનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ગાડી ચાલક રેવદરસિંહ મફુસિંહ વાઘેલા તથા અરવિંદભાઈ શંકરલાલ વજીરની ધરપકડ કરી 3 લાખ રૂપિયાની કાર તેમજ 10,000નો મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ એલસીબી પોલીસે ડીસામાંથી બે અલગ અલગ દારૂ ભરેલી કાર ઝડપી કુલ રૂપિયા 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.