પાટણમાં રેલવે ઓવરબ્રિજની કામગીરીને પગલે સાઈડમાં બનાવેલ સર્વિસ રોડની હાલત ખરાબ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં રાજમહેલ રોડ ઉપર આવેલ રેલવે ફાટકની બંને બાજુએ રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત રોડની બંને સાઈડે આવેલ હયાત સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ, ઉબડખાબડ અને દયનીય બની જતા અહીંથી પસાર થતાં નાના વાહન ચાલકોને તેમજ શાળા કોલેજના છાત્રોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોઈપણ બ્રિજ કે અન્ય જાહેર કામગીરીમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ વ્યવસ્થિત રીતે ડાયવર્જન આપવાનું થતું હોય છે, અહીં પણ જ્યાં બ્રિજ માટેની કામગીરી ચાલી રહી છે તે રસ્તા ઉપર બંને બાજુએ પતરા લગાવીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેના કારણે જે રોડ ઉપરથી મુખ્ય અવરજવર થઈ રહી છે તે રોડની હાલત ખૂબ જ ખરાબ બની ગયેલ છે. સમગ્ર રોડ ઉપર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયેલ છે અને વરસાદી પાણી ભરાતા નાના વાહનચાલકોને આ રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ અને જોખમી બની રહ્યું છે. વાહન ચાલકો અને લોકોને પડી રહેલી આ મુશ્કેલી બાબતે અહીંથી પસાર થતાં સૌ કોઈ અસંતોષ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે.

આ રોડ પરથી પસાર થતા રમેશ પટેલે જણાવ્યું હતું કે, આ રોડ પર ઠેર-ઠેર ખાડા પડયા છે તો સત્વરે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા કે જવાબદાર તંત્ર દ્વારા પાટણમાં રેલવે ફાટક ખાતે બની રહેલ ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત લોકોને પડતી હાલાકી હળવી કરવા મુખ્ય અવર-જવર પરના માર્ગની બંને બાજુએ લોકો વ્યવસ્થિત રીતે ચાલી શકે અને વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે બંને સાઈડોનો રોડ વ્યવસ્થિત બનાવવા તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.