લાખણીમાં કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફડાતફડી મચી
ચોમાસુ સિઝનમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. લાખણી ગ્રામ પંચાયતની સામે આવેલ એક કરિયાણાની દુકાનમા મધરાતે અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઇ હતી. રાત્રે અગમ્ય કારણોસર કરિયાણાની દુકાનમા આગ લાગી હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે જીઆરડી જવાનોએ પોલીસ સ્ટેશન તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.બનાવના પગલે લાખણી મામલતદાર, આગથળા પોલીસ, ૧૦૮ મોબાઈલ વાન, જીઇબીના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડ ટીમને ઘટના સ્થળે બોલાવી હતી.જેથી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જતા દુકાન માલિકને લાખોનું નુક્શાન થયું હતું.