વિસનગરના ધામણવા ગામે ખેતર ખેડવા બાબતે ખેડૂતને ગડદાપાટુનો મારમાર્યો
વિસનગર તાલુકાના ધામણવા ગામની સીમમાં ખેડૂતને ખેતર ખેડવા મુદ્દે ઝઘડો કરી ‘જમીન મારી છે, હવે પછી ખેડવા આવતો નહીં’ તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ખેડૂતે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકા તાલુકાના ધામણવા ગામમાં રહેતા સુરેશ પ્રહલાદભાઈ પટેલ ગામની સીમમાં આવેલ સર્વે નંબર 812ની સવા વીઘા જમીન 20 વર્ષ અગાઉ ગામના ઠાકોર નથાજી પાસેથી વેચાણ રાખી હતી. જેમાં સુરેશભાઈ પોતે ખેડૂતના ખાતેદાર ન હોવાથી આ જમીન પત્નીના જ્યોત્સનાબેનના નામે કરાઈ હતી અને છેલ્લા 20 વર્ષથી આ જમીનનો કબજો ધરાવે છે. જે પછી સરકારના રી સર્વે કાર્યકમ કરવામાં આવેલો જેમાં ઉપરોક્ત જમીન બીજી જગ્યાએ દર્શાવવામાં આવી હતી. જેથી 2018માં ડી.એલ.આર કચેરી મહેસાણા ખાતે અરજી આપતા મૂળ સ્થિતિમાં દર્શાવાઈ હતી.
જે જમીન પર સુરેશભાઈ રોજ ટ્રેક્ટર લઈ જમીનમાં વાવેતર કરવા ગયા હતા. દરમિયાન ગામના ઠાકોર મુકેશજી મગનજીએ આવી ‘હવે પછી તું આ જમીન ખેડવા ના આવતો આ જમીન મારી છે’ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ગડદાપાટુંનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ ઝપાઝપીમાં સુરેશભાઈનો મોબાઈલ પડી ગયો હતો. જ્યાં સુરેશભાઈએ વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.