આકોલીમાં ૪૦થી વધુ બાળકો ખાડા અને પાણીમા થઇ શાળાએ જવા મજબુર બન્યા
દાંતીવાડા તાલુકાના આકોલી ગામના કુવા વિસ્તારના ૪૦થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જવા વ્હોળાના ખાડા તેમજ પાણીમા થઇ પસાર થવાં મજબૂર બન્યાં છે. ત્યારે વર્તમાન સમયમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે, ત્યારે દાંતીવાડાના આકોલી ગામના ગોદરાથી ગોચરડી તરફ જવાના કાચા રસ્તા પર અંદાજિત ૨૫ થી વધુ કુવા પર પરિવારો પોતાનાં રહેણાંક સાથે રહે છે. ત્યારે છેલ્લાં ૧૦ વર્ષથી આ પરિવારોના નાનાથી મોટાં બાળકો ગામની શાળાએ જવા આ રસ્તેથી વ્હોળામા થઇ પસાર થઈ રહ્યા છે અને વ્હોળાથી થોડાક અંતરે ચેકડેમ પણ આવેલો છે. આમ એકબાજુ ચોમાસું પ્રારંભ થઇ ચૂક્યું છે ત્યારે ભારે વરસાદને લઈ આ વ્હોળામા પાણી ભરાઈ જતાં આજુબાજુના કુવા વિસ્તારના પરિવારો ગામથી સંપર્ક વિહોણાં બની શકે તેવી સ્થિતિ સર્જાવા પામી છે. જ્યારે સામેની બાજુમા સીપુ નદી આવેલી છે. જે વરસાદી પાણીના કારણે ૪ થી ૫ ફૂટના વ્હેણમા થઇ ૪૦ થી વધુ અભ્યાસ કરવા જતાં બાળકો તેમજ પરિવારોના જીવ અધ્ધર થઈ જતાં હોય છે,ત્યારે આવા સમયે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ ? તેવા પણ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ સિવાય આ રસ્તેથી પશુપાલન કરતાં ખેડુતોને ડેરીએ દૂધ ભરાવવા જવું હોય કે બીમાર વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ જવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે શાળાએ જતાં બાળકોને આ રસ્તા પરથી પસાર થવા ભારે વરસાદના વ્હેણમા તણાઈ જવા કે ડૂબી જવાનો પણ સતત ભય રહ્યા કરે છે. જેની સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવાં છતાં કોઈપણ પ્રકારની સુવિઘા આપવામાં આવી નથી. જે અંગે સ્થાનિકો કહે છે કે આ રસ્તેથી પસાર થતાં બાળકો ડૂબી જાય કે પાણીમા તણાઈ જાય કે પછી પાણીમાંથી પસાર થતાં ઝેરિલા જીવજંતુ કરડે તો તેનો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો સામે આવે છે. આ સિવાય સ્થાનિકો જણાવે છે કે, આકોલી ગામથી ગોચરડી તરફ જવાના રસ્તા પર અંદાજે ૩૦૦ મીટર સી.સી. રોડ બનેલો છે અને તેનાથી થોડાંક આગળ જતાં કાચા રસ્તા પર આ વ્હોળો આવેલો છે. કાચા રસ્તાની બાજુમા અંદાજે ૪૦૦ મીટરના અંતરે ચેકડેમ આવેલો છે, જેથી ચોમાસામા જો ભારે વરસાદ આવે તો ચેકડેમ ભરાઈને કાચા રસ્તા સુઘી આવવાની શક્યતા રહે છે જેથી રસ્તો પણ બંધ થવાની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે ચોમાસા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ વ્હોળા પર સિમેન્ટની પાઇપ નાંખી ઊપર ઘાવરો નાંખી રસ્તાની મરામત કરવામાં આવે તો અમારા બાળકો સલામત રીતે સ્કૂલે જઈ શકે અને ચોમાસા દરમીયાન તેમનો અભ્યાસ પણ ન બગડે. ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ તે પણ જોવા રહ્યું ? સરકાર દ્વારા સ્માર્ટ સ્કૂલોને વાતો કરવામાં આવે છે ત્યારે જિલ્લાના એક વિસ્તારમાં વિદ્યાર્થીઓને મુશ્કેલ રસ્તા પરથી પસાર થઈ સ્કૂલે જવું પડી રહ્યું છે. ત્યારે આનાથી દયનીય બાબત બીજી કઇ હોઈ શકે. ત્યારે આગામી સમયમાં આ વિસ્તારની સ્થિતિ સુધરશે કે પછી જેસે થે જેવી રહેશે તે તેઓ આવનારો સમય જ બતાવશે.