વિવાદોની વચ્ચે ફિલ્મ ૭૨ હૂરેં નું ટ્રેલર ડિજિટલી કરાયું રિલીઝ
મુંબઈ, બોલીવુડની વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. આ ફિલ્મ ૭૨ હૂરેં છે. આ ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે આ ફિલ્મના ટ્રેલરને આપત્તિજનક માનીને રીજેક્ટ કરી દીધું હતું પરંતુ તેમ છતાં ફિલ્મના ટ્રેલર્સને થિયેટર્સમાં ન દેખાડી અને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જોકે આશ્ચર્યજનક વાત એ પણ છે કે સેન્સરબોર્ડ એ ફિલ્મને પહેલાથી જ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. પરંતુ બોર્ડ દ્વારા ટ્રેલરને રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી ફિલ્મ મેકર્સે ટ્રેલરને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી દીધું છે.
મહત્વનું છે કે ફિલ્મના ટ્રેલરને વિવાદિત જણાવીને ૨૭ જૂને સેન્સર બોર્ડે રિજેક્ટ કરી દીધું હતું. જ્યારે બીજા જે દિવસે એટલે કે ૨૮ જુને ફિલ્મ મેકર્સે સેન્સર બોર્ડની વિરુદ્ધ જઈને ટ્રેલરને લોન્ચ કરી દીધું છે. ૭૨ હૂરેં ફિલ્મના ટ્રેલરમાં આતંકવાદની દુનિયાનું સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા આતંકવાદ પર આધારિત છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે આતંકવાદી પહેલા લોકોના બ્રેઇનવોશ કરે છે અને પછી તે સુસાઇડ બમ્પર બનીને નિર્દોષ લોકોના જીવ લઈ લે છે.
ટ્રેલર પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટીઝરમાં હાફિઝ શહીદ, ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓના અવાજને બેગ્રાઉન્ડ તરીકે યુઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં દેખાડવામાં આવ્યું હતું કે યુવાઓને ૭૨ હૂરેંની લાલચ આપીને જેહાદ કરાવવામાં આવે છે.
આ ફિલ્મને બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા ફિલ્મ મેકર સંજય પુરન સિંહ ચૌહાણએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ૭ જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થશે ફિલ્મના પ્રોડયુસર અશોક પંડિત છે.